________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. પ્રભવપ્રતિબોઘ|
એક જંગલમાંથી મુસાફરોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. અચાનક માર્ગની બે બાજુથી ડાકુઓ ત્રાટક્યા. તેમણે મુસાફરોને મારવા માંડ્યા અને લૂંટવા માંડ્યા.
મુસાફરો ભયભીત બનીને ચારેબાજુ ભાગવા માંડ્યા. એમાંનો એક મુસાફર, એકલો અટૂલો ગાઢ જંગલમાં જઈ પહોંચ્યો. તેણે ક્ષણભર ઊભા રહીને ચારેબાજુ જોયું... ત્યાં ભયથી તે ધ્રુજી ઊઠ્યો. ડાકુઓથી તો તે બચી ગયો હતો, પરંતુ એક જંગલી હાથી પોતાની લાંબી સૂંઢ ઉછાળતો... કરાળ કાળ જેવો તેના તરફ ધસતો આવી રહ્યો હતો. મુસાફર મુઠ્ઠીઓ વાળીને દોડવા લાગ્યો. હાથી તેની પાછળ દોડવા લાગ્યો.
મુસાફરે માર્ગની બાજુમાં એક કૂવો જોયો. કૂવાના કાંઠે એક તોતિંગ વડનું વૃક્ષ જોયું. એ વૃક્ષની એક વડવાઈ કૂવામાં લટકી રહી હતી. મુસાફર કૂવાના કિનારે જઈને કૂદ્યો. વડવાઈ પકડી લીધી અને ઊંડા કૂવામાં લટકી પડ્યો.
તેની પાછળ જ હાથી આવ્યો. તેણે પોતાની સૂંઢ કૂવામાં લંબાવીને મુસાફરને પકડવા પ્રયત્ન કર્યો... પરંતુ તેની સૂંઢ મુસાફર સુધી પહોંચી નહીં. હાથી એ વૃક્ષની ડાળીઓને પોતાની સૂંઢમાં ભરાવી તેને હચમચાવવા માંડ્યો... એ વૃક્ષમાં મધમાખીઓનો એક મોટો મધપૂડો હતો. હજારો માખીઓ ઊડવા લાગી. પેલા મુસાફરને વળગી પડી!
મુસાફરે કૂવામાં નીચે જોયું તો એક અજગર મોઢું ફાડીને પડેલો છે! જો મુસાફર નીચે પડે તો સીધો અજગરના મોઢામાં જ જાય! બીજા સાપ પણ ફણા માંડીને તેને જોઈ રહ્યા હતા.
જે ડાળીને તે લટકી રહ્યો હતો, તે ડાળીને કેટલાક કાળા અને ધોળા ઉંદરો પોતાના કરવત જેવા દાંતથી કાપી રહ્યા હતા... મુસાફરના શરીરે પરસેવો વળી ગયો... પરંતુ ત્યાં પેલા મધપૂડામાંથી મધનાં ટીપાં ટપકવા માંડ્યાં. આ મુસાફરે મોઢું ફાડ્યું. પેલાં ટીપાં મોઢામાં પડવા માંડ્યાં. મુસાફરને એ ટીપાં ખૂબ મીઠાં લાગવા માંડ્યાં... તે જીભ લપલપાવીને ચાટવા માંડચો.. એ મધુબિંદુઓના સ્વાદમાં એવો પાગલ થઈ ગયો કે બીજું બધું ભૂલી ગયો!
પ્રભવ, આ તને એક ઉપનય-કથા મેં સંભળાવી. હવે તને એનું રહસ્ય સમજાવું છું.
For Private And Personal Use Only