________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ પ્રતિબોધ.
૧૨૧ કુબેરદત્તે પોતાની માતાને પૂછ્યું : “મા, સાચું કહે, અમારા બન્ને વચ્ચેનો સાચો સંબંધ શું છે?' માતાએ બધી વાત કહી દીધી. કુબેરદત્ત અને કુબેરદત્તા આશ્ચર્યચકિત થઈ ગયાં. કુબેરદત્તે કહ્યું : “સારું થયું કે અમારો શારીરિક સંબંધ થયો નહીં... અમે નિર્મળ રહ્યાં છીએ.”
કુબેરદત્તા એના પિતાના (પાલક પિતા) ઘેર ગઈ અને કુબેરદત્ત વેપાર માટે તે નગરને છોડીને ચાલી નીકળ્યો. - કુબેરદત્તાનું મન સંસારથી વિરક્ત બની ગયું. તેણે દીક્ષા લીધી. તે સાધ્વી બની ગઈ. ઉગ્ર તપ કરીને તે અવધિજ્ઞાની બની. કુબેરદત્ત વેપાર માટે મથુરા નગરીમાં પહોંચ્યો. મથુરામાં તે કુબેરસેના વેશ્યાના ઘેર ઊતર્યો. તેણે કુબેરસેનાને ખૂબ ધન આપીને પોતાની પત્ની બનાવી લીધી અને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યો. તેણે મથુરામાં મોટા પાયા પર વેપાર કરવા માંડ્યો અને લાખો રૂપિયા કમાવા માંડ્યો.
સાધ્વી કુબેરદત્તાએ અવધિજ્ઞાનના પ્રકાશમાં “કુબેરદત્ત ક્યાં છે ને શું કરે છે તે જોયું. તેણે મથુરામાં કુબેરસેના સાથે રંગરાગમાં લીન કુબેરદત્તને જોયો. તે ધ્રુજી ઊઠી “અરેરે, પોતાને જન્મ આપનારી માતા સાથે જ કુબેરદત્ત ભોગવિલાસ કરે છે... ઘોર અનર્થ થઈ ગયો. એ લોકો એકબીજાને ઓળખતાં નથી.. હું જલદી ત્યાં જાઉં અને અનર્થને રોકું...'
સાધ્વી કુબેરદત્તા વિહાર કરીને મથુરા આવ્યાં. એ અરસામાં કુબેરસેનાએ એક પુત્રને જન્મ આપ્યો.
સાધ્વી કુબેરદત્તા વિચારે છે : “આ બેને કેવી રીતે ઉપદેશ આપવો...? ધર્મશાસ્ત્રનો ઉપદેશ તો સાંભળશે નહીં, કોઈ બીજી જ રીતે યુક્તિથી ઉપદેશ આપવો પડશે. ને યથાર્થતાનો બોધ કરાવવો પડશે...'
કુબેરદત્તા કુબેરસેનાના ઘરે ગયાં. “હું તમારા આ નવજાત શિશુને સારા સંસ્કારો આપીશ, તેને મીઠાં મીઠાં હાલરડાં સંભળાવીશ... મારી પાસે રમ્યા કરશે. અને એટલો સમય તમને અવકાશ મળી જશે..... શું હું તમારા ઘરમાં રહી શકું?'
કુબેરસેનાએ સાધ્વી કુબેરદત્તાની વિનયભરી મધુર વાણી સાંભળી. સાધ્વીનો સૌમ્ય... શીતલ.. સુંદર ચહેરો જોયો. તેણે સાધ્વીને પોતાના ઘરમાં રહેવા અનુમતિ આપી. અન્ય સાધ્વીઓની સાથે કુબેરદત્તાએ ત્યાં નિવાસ કર્યો.
For Private And Personal Use Only