________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. જંબૂનો વૈરાગ્ય !
કાળ નિરંતર ગતિશીલ છે. દિવસો વીતે છે, મહિનાઓ વીતે છે, વર્ષો વીતે છે. આ રીતે અનંતકાળ વીતી ગયો છે અને અનંતકાળ વીતી જશે. અનંત જીવો આ કાળચક્રમાં ભીંસાઈ રહ્યા છે. તો અનંત જીવો આ કાળચક્રને ભેદીને જન્મ-મૃત્યુથી મુક્ત થઈ ગયા છે.
રાજગૃહ નગરનો જીવનપ્રવાહ આનંદ-ઉલ્લાસથી વહી રહ્યો હતો. પ્રજા સુખ-શાન્તિથી ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થમાં નિરત હતી.
ઋષભદત્ત શ્રેષ્ઠીની હવેલીમાં બારે માસ ઉત્સવનું વાતાવરણ જામેલું હતું. ખૂબ લાડ-પ્યારથી જંબૂકુમારનું પાલન થતું હતું. શેઠાણી ધારિણી સ્વયં જંબુની કાળજી રાખતાં હતાં. હવેલીમાં નોકર-ચાકરો ઘણા હતા. જંબૂ માટે શ્રેષ્ઠ અધ્યાપકો નિયુક્ત કરવામાં આવ્યા હતા. અક્ષરજ્ઞાનથી માંડીને અનેક વિષયોનું જ્ઞાન જંબૂને આપવામાં આવતું હતું. અનેક કળાઓ પણ તેને શીખવવામાં આવતી હતી.
જંબૂકુમારનું ગુણમય વ્યક્તિત્વ સહુ કોઈ પરિચિત-અપરિચિત લોકોને આકર્ષતું હતું. તેનાં મધુર વચનો સહુના હૃદયમાં સ્નેહ પેદા કરતાં હતાં. તેની સમજણભરી વાતો સાંભળતાં સ્નેહીજનો ધરાતા ન હતા.
જ્યારે જંબૂકુમાર સોળ વર્ષનો થયો ત્યારે રાજગૃહમાં શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટધર ગણધર શ્રી સુધર્માસ્વામી પધાર્યા. સમગ્ર મગધ રાજ્યમાં તેઓ પરમ આદરણીય હતા, આરાધ્ય હતા અને પૂજનીય હતા. તેઓ ભૂતભાવિ અને વર્તમાનના જ્ઞાતા હતા. તેજ:પુંજ હતા. ઇન્દ્રિયવિજેતા હતા. તેઓ ઉત્કૃષ્ટ પુણ્યશાળી મહાત્મા હતા. હજારો સાધુ-સાધ્વીને તેઓ મોક્ષમાર્ગની આરાધનામાં માર્ગદર્શક હતા.
રાજગૃહના બાહ્ય પ્રદેશમાં આવેલા ગુણશીલ ચૈત્યના વિશાળ ઉદ્યાનમાં તેઓ બિરાજમાન હતા. રાજગૃહનાં હજારો સ્ત્રી-પુરુષો તેમનાં દર્શન કરવા અને તેમનો ધર્મોપદેશ સાંભળવા ઉદ્યાનમાં પહોંચી ગયાં.
જંબૂકુમાર પણ રથમાં બેસીને ઉદ્યાનમાં પહોંચ્યો. ગણધર ભગવંતનાં દર્શન કરીને વિનયપૂર્વક તે ધર્મોપદેશ સાંભળવા બેસી ગયો. એકાગ્ર ચિત્તે તન્મય બનીને સાંભળતો રહ્યો. તે એના નાનકડા જીવનમાં સર્વપ્રથમ ઉપદેશ સાંભળતો
For Private And Personal Use Only