________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે!
૧૧૩
પ્રભવ પરાક્રમી તો હતો જ, તેમાં તેને બે વિઘાઓ મળી ગઈ, એટલે વિશેષ શક્તિશાળી બની ગયો. તેણે જુદાં જુદાં ગામ-નગરોમાં મોટી મોટી હવેલીઓનાં તાળાં તોડવા માંડ્યાં અને હવેલીના માણસોને વિદ્યાશક્તિથી ઊંઘાડી દઈ... મોટી ચોરીઓ શરૂ કરી દીધી. થોડા દિવસોમાં જ તેણે અઢળક ધન ભેગું કરી લીધું અને પચાસ સાથીદારો પણ મેળવી લીધા. સાથીદારોને તે ખૂબ પૈસા આપવા માંડ્યો.
ધીમે ધીમે તેણે વિંધ્યાચલની સુરક્ષિત જગામાં પોતાના પાંચસો સાથીદારોનું નાનકડું ગામ વસાવી લીધું. રાજા પ્રભુ માટે તે માથાનો દુઃખાવો બની ગયો. પ્રજામાં તે પ્રિય બનવા લાગ્યો. ગરીબોને છૂટા હાથે દાન આપવા લાગ્યો. શ્રીમંતોને ધોળા દિવસે લૂંટવા માંડ્યો.
રાજગૃહમાં જંબૂકુમારનો ભવ્યાતિભવ્ય લગ્નોત્સવ મંડાણો. સમગ્ર રાજગૃહને શણગારવામાં આવ્યું. ગરીબોને દાન આપવામાં આવ્યું. મંદિરોમાં ફળ-નૈવેદ્ય ચઢાવવામાં આવ્યાં.
આઠ કન્યાઓ સાથે જંબૂકુમારનાં લગ્ન થઈ ગયાં. કન્યાઓના પિતાઓએ કરોડો રૂપિયા કન્યાદાનમાં આપ્યા. ઋષભદત્તની હવેલીમાં રૂપિયાના ઢગલા થઈ ગયા.
આઠ પત્નીઓ સાથે જંબુકુમારે કુળદેવતાની પૂજા કરી. ત્યારપછી જિનમંદિરે જઈ વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતોની પૂજા કરી અને હવેલીમાં પાછો આવ્યો. ધારિણી આનંદવભોર બની ગઈ. આઠ પુત્રવધૂઓને પોતાના ખંડમાં બેસાડી ધારણીએ ખૂબ પ્રેમથી કહ્યું :
‘તમે જાણો છો કે મારો પુત્ર વૈરાગી બનેલો છે. અમારા આગ્રહથી તેણે લગ્ન કર્યાં છે. અમે આગ્રહ એટલા માટે કર્યો છે કે તમે આઠ વહુઓ મળીને મારા પુત્રને રાગી બનાવો. તમારી પાસે રૂપ છે, કલાઓ છે... તમારે જંબૂને મોહપાશમાં જકડી લેવાનો છે... એને ત્યાગમાર્ગે જવા દેવાનો નથી.!’
‘માતાજી, આપનો આશય અમે પહેલાં જ સમજી ગઈ હતી. અમે એમને રાગી બનાવીને જ જંપીશું. મોટા મોટા યોગીપુરુષો પણ સ્ત્રીના એક કટાક્ષ આગળ ઝૂકી ગયેલા છે... તો પછી...' સમુદ્રશ્રીએ ધારિણીના પ્રસ્તાવને વધાવતાં કહ્યું.
‘બસ, તમે આટલું કામ સિદ્ધ કરી દો! બીજી કોઈ વાતે મારે કમી નથી... તમે આ હવેલીમાં સ્વર્ગનાં સુખ અનુભવો... એ મારી ઇચ્છા છે.’
For Private And Personal Use Only