________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
એક રાત અનેક વાત મુનિરાજને વિદાય આપવા ગયો હતો... હા, તને ભાઈ-મુનિરાજ પ્રત્યે ખૂબ પ્રેમ હતો, એ હું જાણું છું. મને અડધી શણગારેલી પડતી મૂકીને તું નીચે ઊતરી ગયો હતો...
ભાઈ પ્રત્યે અનુરાગ હોય પરંતુ તે વૈરાગી ન હતો. રાગીને પણ સાધુઓ પ્રત્યે પ્રેમ ત હોઈ શકે... તારા ગયા પછી તારી રાહ જોતી હું બેસી જ રહી... કેટલી બધી શંકા-કુશંકાઓ મારા મનમાં આવી હતી? પરંતુ જ્યારે માતાજીએ આવીને આંસુ નીતરતી આંખોએ મને કહ્યું : “બેટી, હવે એ નહીં આવે... એ શ્રમણ બની ગયો છે...'
જાણે ધરતીકંપ થયો હોય તેવો આંચકો મને લાગ્યો... નાથ, તમે માનશો? હું મૂઢ થઈ ગઈ... જડ થઈ ગઈ... માતાજીની સામે શૂન્યમનસ્ક બનીને અપલક જોતી રહી. મારા પ્રાણેશ્વર, મારા જીવનમાં આ પહેલું જ દુઃખ આવ્યું... અસહ્ય દુઃખ છે આ.
નાથ, તારા-મારા-આપણા મનોરથોની ઇમારત કડડભૂસ થઈ ગઈ.... કાંઈ જ ન બચ્યું.. કલ્પનાનું સ્વર્ગ વેરાન ઉજ્જડ થઈ ગયું... આંસુઓ, વ્યથાઓ, વેદનાઓ અને નિસાસાઓ સિવાય શું રહ્યું મારા જીવનમાં?
પ્રિયતમ, છતાં મને તારા પ્રત્યે જરાય રોષ નથી.... તારા તરફ હું નારાજ નથી. તારા પ્રત્યેનો મારો પ્રેમ અખંડ જ છે, અભંગ છે. કારણ કે “જાણીબૂજીને તેં મારો ત્યાગ નથી કર્યો’ - આ વાત મને નિશ્ચિત લાગે છે. કોઈ સંયોગને આધીન બનીને,.. કોઈ પરિસ્થિતિને પરવશ બનીને તારે શ્રમણ બનવું પડ્યું છે... પછી હું તારા પ્રત્યે નારાજ થાઉં ખરી?
અને જો તારે અનિચ્છાએ શ્રમણ બનવું પડ્યું હશે. તો તારા મનમાં પણ કેવી વ્યથા હશે? કેવી ઘોર વેદનાથી તારું હૃદય વલુરાતું હશે? હું તને ક્ષણે ક્ષણે યાદ આવતી હઈશ... ખરું ને? તું તારી આ પ્રિયતમાને એક ક્ષણ પણ નહીં ભૂલી શકતો હોય... મારા વિના તું બેચેન હશે.. અને ક્યારેક તારી આંખો પણ ભીની થઈ જતી હશે!
ઓ ભગવાન... અમારા પર પાપી દૈવ રૂઠી ગયો છે. શું તું અમારી રક્ષા નહીં કરે? અમારી સંભાળ નહીં લે? તું દયાળુ છે, કરુણાવંત છે, ઓ પ્રભુ! અમારા પર તારી કરુણાનો ધોધ વરસાવ.. નહીંતર અમે વેદનાની ભડભડતી આગમાં બળીને રાખ થઈ જઈશું.
કેટલી નાની ઉંમર છે અમારા બન્નેની? કેટલી લાંબી હશે અમારી જીવનયાત્રા?
For Private And Personal Use Only