________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
નાગિલા
જેમ જેમ દિવસો... વર્ષો વીતતાં ગયાં, નાગિલા સ્વસ્થ બનતી ગઈ. એણે પોતાના જીવનપરિવર્તનની સાથે સાથે અન્તર્મુખી વ્યક્તિત્વ વિકસાવવા માંડ્યું.
હવે તે ઉદાસીમાં ડૂબી જતી નથી, આંસુની અવિરત ધારા વહાવતી નથી. હવે તે સૂનમૂન બની ભવદેવની સ્મૃતિમાં ખોવાઈ જતી નથી. નથી તેનામાં દીનતા રહી કે નથી તેનામાં હીનતાની ભાવના રહી.
તેણે પરમાત્માનું આલંબન લીધું. પરમાત્માનાં સ્મરણ-દર્શન-પૂજન-સ્તવનમાં તેણે રસાનુભૂતિ કરવા માંડી. શ્રી નવકારમંત્રના જાપ ધ્યાનમાં તે લીન થવા લાગી. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ આદિ ભાવનાઓના ચિંતનમાં મગ્ન રહેવા લાગી. ઘરે મળવા આવનારી સ્ત્રીઓ સાથે ધર્મ ચર્ચા કરવા લાગી.
ગામમાં આવતી સાધ્વીઓનો બહુમાનપૂર્વક સંપર્ક કરવા લાગી. સાધ્વીના જીવનનું અવલોકન કરવા લાગી. તેને એ જીવન ગમ્યું. સાધ્વીઓનો સહવાસ ગમ્યો. તેણે મનોમન નિર્ણય કરી લીધો – “આ જીવનમાં એક દિવસ હું સાધ્વી બનીશ.”
તેણે યૌવનને શાન્ત કર્યું. તપશ્ચર્યાથી દેહનું દમન કર્યું. તેને ન રહ્યો રૂપનો મોહ, ન રહી યૌવનની સ્પૃહા. રૂપ-યૌવન તરફ નિઃસ્પૃહ બનીને આત્માપરમાત્મા તરફ તે અભિમુખ બની ગઈ. વૈષયિક સુખોની ઇચ્છાઓથી પણ તે સહજતાથી વિરામ પામી. લગ્ન પછીનાં બાર વર્ષ આ રીતે વીતી ગયાં.
For Private And Personal Use Only