________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૮.શિવકુમાર
ભવદેવના આત્માએ “સૌધર્મ દેવલોક'માં અસંખ્ય વર્ષપર્યંત વૈષયિક સુખો ભોગવ્યાં
દેવલોકનું તેનું આયુષ્ય પૂર્ણ થયું. તેનો જન્મ પણ મહાવિદેહ ક્ષેત્રમાં, પુષ્કળાવતી-ખંડમાં થયો.
પુષ્કળાવતી ખંડમાં “વીતશોકા” નામની નગરી હતી. તે નગરીનો રાજા હતો પમરથ અને રાણી હતી વનમાલા.
વનમાલા ગર્ભવતી બની. ગર્ભવતી બન્યા પછી વનમાલાના વિચારોમાં પરિવર્તન આવ્યું. તેને પરમાત્મભક્તિની ઇચ્છા જાગે છે. સાધુપુરુષોને દાન આપવાનું મન થાય છે. પહાડોની ગુફાઓમાં જઈ મૌન ધારણ કરી ધ્યાનસ્થ બનવાની ભાવના પ્રગટે છે. ક્યારેક વૈરાગ્યભાવ ઉલ્લસિત બને છે.
રાજા પદ્મરથ રાણીની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. રાણી પ્રસન્નચિત્તે ગર્ભનું પાલન કરે છે. સમય પૂર્ણ થતાં એ એક સુંદર પુત્રને જન્મ આપે છે.
ચન્દ્ર જેવો સૌમ્ય અને ચંદન જેવો શીતળ! રાજા રાણી એનું મુખડું જોતાં ધરાતાં નથી.
કુમારનું નામ “શિવકુમાર' રાખવામાં આવ્યું, કારણ કે તેનો જન્મ થતાં દેશમાંથી અશિવ-ઉપદ્રવો દૂર થયા હતા.
શ્રેષ્ઠ પુણ્યકર્મ લઈને જન્મેલા શિવકુમારનું સુંદર લાલન-પાલન થવા લાગ્યું. શસ્ત્રકલા, શાસ્ત્રકલા વગેરેનું ઉત્તમ કોટિનું પ્રશિક્ષણ મળવા લાગ્યું.
સહજતાથી બાલ્યકાળ વીતી ગયો. સહજતાથી તરુણ અવસ્થા વીતી ગઈ. શિવકુમારે યૌવનકાળમાં પદાર્પણ કર્યું.
યૌવનનો કાળ એટલે વૈષયિક સુખભોગનો કાળ! તેમાંય આ તો રાજકુળનું યૌવન હતું. શિવકુમારનાં લગ્ન પુષ્કળાવતી ખંડની શ્રેષ્ઠ રૂપસુંદરી રાજકુમારી કોશલા સાથે થયાં.
ભરપૂર સુખભોગોમાં કુમારનો સમય વીતે જાય છે. કોઈ દુઃખ નથી, કોઈ અશાન્તિ નથી, કોઈ ક્લેશ કે સંતાપ નથી. આનંદ છે, ઉલ્લાસ છે, પ્રસન્નતા
છે.
૦
૦
૦
For Private And Personal Use Only