________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાયક
૪૧
હવે અહીં મને કોણ રોકનાર છે? મોટાભાઈ ચાલ્યા ગયા... એમની જ શરમ મને નડતી હતી. હા, સહવર્તી સ્થવિર મહાત્માઓને ખબર પડી જાય તો તેઓ મને રોકી રાખવાનો પ્રયત્ન જરૂર કરે. પરંતુ હું એમને ખબર જ નહીં પડવા દઉંને? કોઈને ખ્યાલ ન આવે એ રીતે અહીંથી નીકળી જઈશ. સુગ્રામ અહીંથી બહુ દૂર નથી.
હા, હું અહીંથી સાધુવેષમાં જ જઈશ. નાગિલાને મળ્યા પછી સાધુવેષનો ત્યાગ કરીશ. બાર-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. એ મારા સુકાઈ ગયેલા શરીરને જોઈને દુઃખી થઈ જશે. એ સમજશે કે ‘સાધુજીવનમાં મેં ખૂબ તપશ્ચર્યા કરી છે...!' ના રે ના, હું એને સાચું કારણ બતાવી દઈશ. ‘પ્રિયે, તારા વિરહની પીડાથી આ શરીર સુકાઈ ગયું છે. નથી મને ખાવાનું ભાવ્યું, નથી પીવાનું ગમ્યું કે નથી ઊંઘ આવી.' એની આંખોમાંથી આંસુ વહેશે. હું એને ખૂબ પ્રેમથી શાન્ત કરીશ.
હવે મારે વિલંબ ન કરવો જોઈએ. નિર્ભય... નિશ્ચિંત બનીને નીકળી જવું જોઈએ. જો કે સુગ્રામના કોઈ સમાચાર મને મળ્યા નથી. નથી માતા-પિતાના સમાચાર મળ્યા કે નથી નાગિલાના કોઈ સમાચાર મળ્યા.'
ભવદેવ મુનિ ઊંડા વિચારમાં ડૂબી ગયા.
‘મારા અહીંથી ગયા પછી શ્રમણસંઘમાં હોબાળો થઈ જશે. મારી નિંદા થશે. સાથે સાથે મોટાભાઈનું પણ ખોટું દેખાશે. લોકો કહેશે : ‘ભવદત્ત મુનિના ભાઈ ભવદેવ મુનિ ચાલ્યા ગયા.’ ખેર, બોલના૨ા બોલશે. થોડા દિવસ દુનિયા મારી ચર્ચા કરશે. પછી બધું શાન્ત થઈ જશે. પરંતુ હવે લોકનિંદાના ભયથી હું મારો નિર્ણય નહીં બદલું. જિંદગી મારે જીવવી છે. હું નાગિલા વિના હવે એક દિવસ પણ શાન્તિથી પસાર કરી શકું એમ નથી. મારૂં મન વૈયિક સુખ ઇચ્છે છે. મારી આ પ્રબળ ઇચ્છાને હવે હું દબાવી શકું એમ નથી. મારો સંયમનો બંધ તૂટી ગયો છે. હું નાગિલા પાસે જઈશ. કાલે વહેલી સવારે...... કોઈનેય કહ્યા વિના અહીંથી નીકળી જઈશ.’
વહેલી સવારમાં ભવદેવ મુનિ ઉપાશ્રયમાંથી નીકળી ગયા. સુગ્રામ જવાનો રસ્તો તેમણે જોયેલો હતો, ઝડપથી તેઓ સુગ્રામના રસ્તે આગળ વધવા લાગ્યા. ચાલતા જ રહ્યા... ચાલતા જ રહ્યા. સંધ્યા સમયે સુગ્રામના બાહ્ય પ્રદેશમાં પહોંચી ગયા.
For Private And Personal Use Only