________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦.
એક રાત અનેક વાત જોઈતો. મેં ભાવાવેશમાં તણાઈને ખોટો નિર્ણય કરી દીધો. હું ગુરુદેવને કહી શકત : “મારા ભ્રાતા-મુનિરાજની મને સાધુ બનાવવાની ભાવના સારી છે. પરંતુ ગુરુદેવ, હજુ ગઈકાલે જ મારાં લગ્ન થયાં છે. મારામાં વૈરાગ્ય નથી... વૈરાગ્ય વિના દીક્ષા લઈને શું કરું? હા, ભાઈ-મુનિરાજ લગ્ન પહેલાં આવ્યા હોત... મને વૈરાગી બનાવ્યો હોત તો જરૂર હું દીક્ષા લેત...” આવું કહીને ત્યાંથી નીકળી ગયો હોત તો સારું થાત.
મારી સરળ મા... બિચારી રડી રડીને મરી જશે. મારા વિરહની વેદના તે નહીં સહી શકે. તે સહનશીલ છે. છતાં આ વજ પ્રહાર તે સહી નહીં શકે... તેના મનમાં કેટલી બધી બેચેની હશે? તેણે ખાવા-પીવાનું પણ ત્યજી દીધું હશે. આમેય મને અને પિતાજીને જમાડીને પછી એ જમતી હતી. કેટલા વાત્સલ્યથી તે મને ખવડાવતી હતી? તેણે મને ક્યારેય નારાજ નથી કર્યો. મારી એક-એક ઇચ્છા એણે પૂરી કરી છે... એના મનમાં મારા સુખના જ વિચારો રમતા રહેતા હતા. લાખોમાં એક હતી મારી મા.
ભવદેવ મુનિની આંખો ભીની થઈ ગઈ.
અરે, મારા પિતા કેવા ગુમસૂમ થઈ ગયા હશે? એ પોચા હૃદયના છે. જેવા પ્રેમાળ છે તેવા ગંભીર છે એ પોતાનું દુઃખ મારી માને પણ કહેતા નથી. ક્યારેય રોષ નહીં કે રીસ નહીં. અઢળક સંપત્તિ હોવા છતાં તેમનામાં જરાય અભિમાન નથી. તેમને ધર્મ ગમે છે, ધર્મગુરુઓ ગમે છે, પરમાત્મા પ્રત્યે તેમને શ્રદ્ધા છે.
ક્યારેય કોઈની નિંદા નહીં, કોઈનું અહિત કરવાનો વિચાર પણ નહીં! કેવા સપુરુષ છે એ? મારા પ્રત્યે અપાર વાત્સલ્ય ધરાવતા મારા એ પિતાનું શું થયું હશે? મારી માતાનું દુ:ખ. એનો કલ્પાંત. પિતાજીથી સહન નહીં થઈ શકે. મેં એમના જીવનમાં આગ લગાડી દીધી.
માતા-પિતાએ મને સુખ આપ્યું, મેં એમને દુઃખ આપ્યું. એમણે મને વાત્સલ્ય આપ્યું, મેં તેમને વેદના આપી. એમણે મને સ્નેહ આપ્યો, મેં એમને ઉકળાટ આપ્યો. હું કુપુત્ર નીવડ્યો. હું અધમ નીવડ્યો..' એકાંતમાં બેઠેલા ભવદેવ મુનિ રડી પડ્યા.
અને... નાગિલા? કોડભરેલી મારી પ્રિયતમા મારી રાહ જોતી કલાકો સુધી મેડી પર બેસી રહી હશે.” હમણાં પાછો આવું છું, કહીને હું મેડીએથી નીચે ઊતરી ગયો હતો. મેં વચન ન પાળ્યું. મેં એનો વિશ્વાસઘાત કર્યો.
For Private And Personal Use Only