Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ કોઈ પહેલાંના તલાટીને ધક્કો મારીને કે હેરાન કરીને પોતે તલાટી બનેલો, તેમજ રાજયની આવક વધારવાની શરતે તે તલાટી બનેલો નથી, તથા પોતાના ઘરના સ્વાર્થને જોરજુલમથી પોષવા માટે પણ તે તલાટી બનેલો નથી. કહેવું જ પડશે કે તે નયસારને મળેલું તલાટીપણું, તેમની અદ્વિતીય ઉત્તમતાને જ આભારી હતું, અને તલાટીપણું મળ્યા પછી પણ તેમની તે ઉત્તમતા ગંગાના પ્રવાહની પેઠે અવ્યાહતપણે વહી રહી હતી. જો કે નયસારની જિંદગીના બીજા વૃતાંતો કોઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત થયેલા જોવામાં આવતા નથી, છતાં તલાટીપણામાં બાળવાના લાકડાં માટે જંગલમાં મધ્યાહ્ન વખતે નિવાસ કરવાનું કહેલું એક જ વર્ણન ચોખાની ભરેલી હાંલ્લીમાંથી બે દાણા ચાંપવાથી જેમ આખી હાંલ્લીની સ્થિતિ માલમ પડે તેમ આ એક બાળવાના લાકડાં જેવી ચીજને માટે આપેલું વર્ણન તેમની સ્વાભાવિક જિંદગીનો ચિતાર આપવા માટે બસ છે. વાચકો સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે બાળવાના લાકડાં જેવી ચીજ કોઈક જ વખત જોઈએ છે એમ નહિ પણ તે હરહંમેશની ખપની ચીજ છે, અને હરહંમેશની ખપની હોવા સાથે કિંમતમાં સર્વથા નિર્જીવ છે તો તેની કિંમતમાં સર્વથા નિર્જીવ અને હરહંમેશની ચીજ છતાં પણ જે ગરીબોને દુભવીને લેવા ન માગે અને તેવી હરહંમેશની સામાન્ય નિર્જીવ ચીજને માટે સખત ઉનાળામાં, ખરે બપોરે, જે મનુષ્ય વનનિવાસનો પ્રયાસ સેવે તે મનુષ્ય બીજી કોઈપણ ચીજ વગર અધિકારે ન લે એ સ્વાભાવિક જ છે, અને આવી રીતે સખત ઉનાળાના મધ્યાહ્નની વખતે વનવાસ સેવીને પણ પોતાને જોઈતી ચીજ પોતે જ મેળવવી, પણ સત્તાની રૂએ કે લાજશરમથી પણ કોઈની પાસેથી પણ તેવી સામાન્ય કિંમતવાળી નિર્જીવ ચીજ ન લેવી એવી પ્રવૃત્તિ તેમની આખી જિંદગીની ઉત્તમતાને જણાવવાને માટે આદર્શ રૂપ જ છે. કેમકે જેઓને બીજાઓ પાસેથી સત્તા કે લાજશરમ, અગર બળાત્કારથી કંઈપણ ચીજ લેવાની ટેવ પડી હોય તેવો મનુષ્ય સખત ઉનાળામાં, ખરા બપોરે બાળવાના લાકડાં જેવી સામાન્ય ચીજ માટે સ્વપ્નામાં પણ વનવાસ કરે નહિ.
આ ઉપરની હકીકત વાંચવા ને વિચારવાથી વાચકોને નયસાર તલાટીના જીવનનો આછો ખ્યાલ જરૂર આવશે. આવી રીતે જીવન વહેનારા નયસાર તલાટી કે જે ભગવાન મહાવીર મહારાજનો જીવ છે તેમનું જંગલમાં, ઉનાળામાં, મધ્યાહ્ન વખતે રહેવું થયું તેવા વખતમાં ભવિતવ્યતાએ કેવો ઉત્તમ સંયોગ મેળવી આપ્યો અને નયસારનું પરોપકારીપણું કેવી રીતે ઝળક્યું એનો વિચાર કરવા માટે તૈયાર થઈએ.
જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧લું; અંક ૩ વર્ષ ૨જું ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે.
તંત્રી.