________________
श्री सङ्घाचार भाष्यम्
૩૧
તારો પ્રશ્ન વચનથી બોલ. તે માણસે ‘યા સા’ આટલો નાનો પ્રશ્ન પૂછ્યો. પ્રભુએ પણ ‘સા સા’ એટલો ટૂંકો જ જવાબ આપ્યો.
ગૌતમસ્વામીને સંશય તથા કૌતુક થયું. તેમણે પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું, ‘પ્રભુ! ભય અને કૌતુક કરનાર આ કોણ છે? આ મનુષ્ય હાથમાં પ્રચંડ અને ભયંકર ધનુષ્યને ઉપાડ્યું છે એટલે ભયંકર લાગે છે અને વૈરાગ્ય ભાવ ધારણ કરી વિનયથી પૂછે છે ત્યારે આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.’
આ સાંભળી ચંદ્ર જેવી શ્વેત દંતપંક્તિથી અંધકારને નાશ કરતા પ્રભુ બોલ્યા, ‘વત્સ! આ બધો તો સંસારનો વિલાસ છે. વિષયાધીન બનેલા પુરુષોની કેવી વિડંબના થાય છે તે સાંભળ...
રાસા
સા સા (અનંગસેન સોનીની કથા)
ચંપા નામે નગરી છે. અનંગસેન નામનો સોની આ નગરીમાં વસે છે. તે કોઈપણ રુપાળી કન્યાને જુએ એટલે ૫૦૦ સુવર્ણ મુદ્રાથી તેને ખરીદી લે છે. અનંગસેને પોતાની સ્ત્રીઓ માટે તિલક આદિ ૧૪ આભૂષણો બનાવ્યાં, પરંતુ તે એકવાર પણ આભરણો પહેરવા આપતો નથી. સ્ત્રીઓ પરની ઈર્ષ્યાને કારણે તે પોતાના ઘરથી બહાર ક્યાંય જતો નથી અને બીજા માણસોને પોતાના ઘરમાં આવવા પણ નથી દેતો. એક દિવસ મિત્ર તેને બળજબરીથી ઘરની બહાર લઈ ગયો. આવો અવસર મળતાની સાથે જ ૫૦૦ સ્ત્રીઓએ આભૂષણોથી શણગાર સજ્યા અને દર્પણ લઈ આનંદ પ્રમોદ કરવા લાગી. સોની ઘરે આવ્યો. તેને ખ્યાલ આવી જતા એક સ્ત્રીને ઘણોજ માર માર્યો. સ્ત્રી મરી ગઈ.
બીજી સ્ત્રીઓને વિચાર આવ્યો કે અમારો પતિ અમારી પણ આ જ હાલત કરશે. આથી બધી સ્ત્રીઓએ એકસાથે ૪૯૯ અરીસાના ઘા કર્યા અને સોનીને મારી નાખ્યો. પતિ તો મરી ગયો, પણ ૪૯૯ સ્ત્રીઓ પસ્તાવા લાગી, અરેરે પતિને મારવાથી અમારી શી દશા થશે? બીજુ તો ઠીક લોકો પણ અમારી નિંદા કરશે. બધી સ્ત્રીઓએ મહેલના બારણા બંધ કર્યા. પસ્તાવો કરતી આ સ્ત્રીઓ બળી મરી અને અકામનિર્જરાથી મરીને એક પર્વતમાં તેઓ ચોર તરીકે જન્મી. અનંગસેને પહેલા જેને મારી હતી તે તિર્યંચગતિમાં જન્મી અને પછીના ભવમાં બ્રાહ્મણપુત્ર તરીકે થઈ. અનંગસેન સોનીએ, તિર્યંચગતિમાં ભવોમાં ભટકી, બ્રાહ્મણપુત્રની બેન તરીકે ભવ મેળવ્યો.
એક દિવસ બેન રડવા લાગી. તેના ભાઈનો હાથ ગુહ્યભાગમાં અડતા તે શાંત થઈ ગઈ. પછી તો હંમેશ તે આમ કરતો જ રહ્યો. બહેન સાથેની ભાઈની આવી ચેષ્ટાઓની જાણ તેના પિતાને થતા તેને ઘરની બહાર કાઢી મૂક્યો. તે ભટક્તો ભટક્તો ચોરોના પર્વતમાં પહોંચ્યો. પલ્લીપતિ બન્યો. તેની બેન પણ સ્વચ્છંદી બની ગઈ હતી.