________________
૧૩૨
श्री सङ्घाचार भाष्यम् ત્યારે શિવદત્ત મંત્રીએ કહ્યું કે તેમાં ચિંતા કરવા જેવું નથી. તે સાંભળીને વસંતસેનાનું મન પ્રસન્ન થઈ ગયું. પોતાના ગર્ભને સુખેથી વહન કરવા લાગી. સમય પુરો થતાં તેને પુત્રનો જન્મ આપ્યો. બાર દિવસ થયા બાદ પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. માતાપિતાએ બાળકનું નામ દેવદત્ત પાડ્યું. યુવાન થયેલા દેવદત્તના ચંદ્રશેઠની પુત્રી સોમા સાથે લગ્ન મંત્રીએ કરાવ્યા.
એક દિવસ રાજાએ કાંઈક અપરાધ બતાવી મંત્રીની મંત્રી મુદ્રા જપ્ત કરી અને મંત્રીને જેલમાં નાખ્યા. જેલમાં મંત્રીની ઘણા પ્રકારે તર્જના કરાવી. ઘણા દિવસ મંત્રીને ભોજન પણ ન આપ્યું. રાજાથી કરાતા આ પરાભવ રૂપી અગ્નિથી બળેલા મંત્રી વિચારમાં પડી ગયા, “અરે! શત્રુના ઘરમાંથી ભિક્ષા દ્વારા પ્રાણવૃત્તિ ચલાવી ઘણી સારી, જંગલમાં વસવું પડે તે પણ સારુ, ખેડુત બનવું પડે તે પણ સારુ, પોતાની સમાન ન હોય તેને ત્યાં નોકર બનવું પણ સારુ, પરંતુ રાજા પાસેથી હક્કપૂર્વક મેળવાતી લક્ષ્મી સારી નહી.
अधिकाधयोऽधिकारा कारा एवाग्रतः प्रवर्तन्ते।
प्रथमं न बंधनं तदनु बंधनं नृपतियोगजुषाम् ॥ ખરેખર, અધિકારો અધિક ચિંતાને ઊભી કરે છે, અધિકારમાં સપડાયેલાઓને આગળ જતાં કારા (જેલ) ભેગા થવું જ પડે છે. રાજાઓના સંબંધોમાં જેઓ આવે છે તેઓને શરૂઆતમાં બંધન વિના જીવન મળે છે પરંતુ પાછળથી તો તેઓને બંધનમાં સપડાવું જ પડે છે.
અંતિમ સમયે આવી જ્યારે મહાન આપત્તિ આવી પડે છે ત્યારે લાભ, ભોગ, દાન, પુત્ર અથવા ધન પણ શું કામના?
ખરેખર રાજા જ્યારે પ્રથમ સન્માન આપે છે ત્યારે તે સન્માન ખાંડ શેરડી અને સાકરનારસથી પણ મીઠું લાગે છે. અંતે આ જ સન્માન તાલપુટના ઝેરથી પણ ભયંકર લાગે છે.
મંત્રી શિવદત્તના વિષમ દિવસો પસાર થયાં. એક દિવસ દિવ્યથી મંત્રી શુદ્ધ સાબિત થયા. મંત્રીએ પોતાનું સર્વસ્વ આપી દીધા બાદ રાજા દ્વારા મુક્ત કરવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયેલા મંત્રી પોતાના ઘરે ગયા.
વ્યથિત થયેલા શિવદત્તને વસંતસેનાએ કહ્યું, “તમે શા માટે મનમાં સંતાપ કરો છો. જેમ ભમતી અરઘટ્ટની ઘડી જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમ ધનવાન નિર્ધન બને છે અને નિર્ધન ધનવાન બને છે.
“વળી, સ્વામિનાથ! સંપત્તિ કોની સ્થિર થઈને રહી છે? કોના બધાં જ મનોરથો પૂર્ણ થયા છે?રાજાઓને કોણ વ્હાલો હોય છે? તથા આલોકમાં હરહંમેશ સુખ કોને હોય છે?