________________
૧૯૮
श्री सङ्घाचार भाष्यम् પાંચ અભિગમ ઉપર શ્રીષેણ નૃપતિ અને શ્રીપતિશેઠની કથા : ઉત્તમ કાવ્યગ્રંથની જેમ સમગ્ર પૃથ્વીમાં શણગાર સ્વરૂપ (કાવ્ય પક્ષે સકળ રસ અને અલંકારથી યુક્ત) ભરતક્ષેત્રમાં ઉત્તમવૃત, સુંદર યતિગણ અને ઘણા બધા અર્થથી સંયુક્ત વસંતપુર નામનું નગર છે. વસંતપુરમાં શ્રીષેણ નામના રાજા છે. તેમનો પ્રતાપ સૂર્યની જેમ ચમકતો હતો. રાજા જિનેશ્વર પ્રભુના વંદન તથા અભિગમનું પાલન આદિમાં કુશળ છે. રાજાને શ્રીપતિ શ્રેષ્ઠી નામે પરમ મિત્ર હતો. તે જિનશાસ્ત્રમાં નિપુણ હતો. કુબેરની જેમ તેમની પાસે ધન સંપત્તિ પણ ઘણી હતી.
એક દિવસ શ્રીષેણ રાજા પ્રાતઃ કાળના કાર્યોને પતાવીને સભામંડપમાં જેમની શૂરવીરતાની વાતો ચારે બાજુ ગવાઈ રહી છે તેવા ઉત્તમ સુભટોની મધ્યમાં બેઠા હતા. ત્યાં એક ચરપુરુષ આવ્યો. તેના પગ ધૂળથી ખરડાયેલા હતા. તેનું શરીર પરસેવાથી નિતરતું હતું. આ ચરપુરુષે આવીને તરત જ રાજાને જણાવ્યું.
‘મહારાજા, ત્રિવિક્રમ રાજાના જેવા પ્રબળ પરાક્રમી વિક્રમઘ્વજ નામના રાજા છે. રણમાં રસિક મનવાળો વિક્રમધ્વજ આપની સાથે યુદ્ધ કરવા માટે અત્યંત વેગથી આવી રહ્યો છે.’
ગુપ્તચરના મુખેથી આ વચન સાંભળીને રાજાના લલાટમાં ભ્રકુટી ચઢી ગઈ. રાજાએ ચાકરો પાસે એકાએક રણભેરી વગડાવી. ભેરીનો શબ્દ સંભળાતા ચતુરંગ સૈન્ય એકઠું થઈ ગયું. શ્રીપતિ શેઠ પણ તેમાં જોડાયા. શ્રીષેણ રાજા તરત જ વિક્રમધ્વજ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. સતત પ્રયાણ કરીને કેટલાક દિવસમાં જે દિશામાંથી વિક્રમધ્વજ આવી રહ્યો હતો ત્યાં અટવીમાં જઈ પહોંચ્યા. અટવીમાં પહોંચતાની સાથે વરસાદ અખંડધારાથી વરસવા લાગ્યો. મેઘરાજાના વેગીલા ઘોડા જેવા નદીના પ્રવાહો વહેવા લાગ્યા. જેમ ટીકા (વિવેચન) વિનાના ગ્રંથો કઠીન હોય છે તેમ માર્ગો વરસાદને કારણે દુર્ગમ થઈ ગયા. શ્રીષેણ રાજાએ પોતાની શિબિરને છોડી ઉપદ્રવ વિનાના સ્થાનમાં આશ્રય લીધો. વિક્રમરાજાએ પણ વનના પર્વત ઉપર આશ્રય સ્વીકાર્યો.
વરસાદના તોફાની વાતાવરણને કારણે અને શ્રીષેણરાજાનું નસીબ અવળું હોવાથી તેમના સમગ્ર સૈન્યમાં મારી-મરકીનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. ઘોડા હાથી બળદ આદિ પશુઓ મરવા લાગ્યા. નબળા માણસો રડવા લાગ્યા. વણિર્ગોવિલાપ કરવા લાગ્યા. મંત્રિમંડળ કંટાળી ગયું. રાજા પણ દુઃખી દુઃખી થઈ ગયો. રાજાના પ્રાસાદમાં હાહારવના કરુણ શબ્દો થવા લાગ્યા. આ સાંભળીને લઘુમંત્રી, શ્રીપતિ શેઠ અને સામંત આદિ જલ્દી ત્યાં પહોંચી ગયા. રાજા પણ બેભાન થઈ ગયો. મૂર્છાને કારણે તેના નેત્રો બીડાઈ ગયા. આવી દશાએ પામેલ રાજાને જોઈને શ્રીપતિશેઠે પોતાના આવાસ સ્થાનેથી રત્નના બાજુબંધ લાવીને રાજાના હાથ ઉપર બાંધ્યું. આ બાજુબંધના માહાત્મ્યથી રાજાના નેત્રયુગલ ઉઘડી ગયા. ચેતન પાછી આવી.