________________
૨૧૬
श्री सङ्घाचार भाष्यम् મૃત સુતારા દેવીના રુપને ધારણ કરનારી વૈતાલિની વિદ્યા સાથે બળતી ચિતામાં પ્રવેશેલા આપને દેખ્યા. પછી તો શું બન્યું તે બધું આપ જાણો છો.’
સંભિન્નશ્રોત અને દીપશીખ નામના આ બે નૈમિત્તકોના મુખથી સાંભળી રાજા અધિક દુઃખી થયો. તેથી નૈમિત્તિકે વિજયરાજાને કહ્યું, ‘પ્રભુ આપ ખેદ ધારણ ન કરો. તમારી સામે અશનિઘોષનું શું ગજું છે ? અમને હમણા એવું નિમિત્ત સ્ફુરે છે કે આપણે વૈતાઢ્યમાં જઈએ.’
બંને નૈમિત્તિક વિજયરાજાને વૈતાઢ્યમાં લઈ ગયા. અમિતતેજને બધી વાત જણાવી. અમિતતેજ રાજાએ પણ તેમને આદર પૂર્વક બોલાવ્યા અને સન્માન આપ્યું. અનિઘોષ પાસેથી પોતાની બહેન સુતારાને મુક્ત કરવા માટે શ્રી અમિતતેજ વિદ્યાધરે રશ્મિવેગ આદિ પોતાના ૫૦૦ બળવાન પુત્રો અને બીજા પણ શ્રેષ્ઠ વિદ્યાના ઘારક વિદ્યાધરોને મોકલીને અને શસ્ત્રાવરણી, બંધની તથા મોચની મહાવિદ્યાઓ આપી શ્રી વિજયરાજાને અશનિઘોષ વિદ્યાધર સામે મૂક્યો. અમિતતેજ સ્વયં બીજાની વિદ્યાને છંદનારી મહાજ્વાલા નામની વિદ્યાને સિદ્ધ કરવા માટે સહસ્રરશ્મિ પુત્ર સાથે હિમવાન પર્વત ઉપર ગયો.
અમિતતેજ વિદ્યાધર માસખમણ કરી ધરણેન્દ્ર અને જયંતકેવળીની પ્રતિમાની આગળ સાતરાત્રિની પ્રતિમાને ધારણ કરી ચારે દિશામાં રહી વિદ્યા સાધવા લાગ્યા. સહસ્રરશ્મિ વિદ્યાની સાધના કરતા પિતાની રક્ષા કરવા લાગ્યો.
આ બાજુ શ્રી વિજયરાજા તરત જ ચમરચંચામાં પહોંચ્યા. નગરની બહાર સૈન્યનો પડાવ નાખ્યો અને નગરની અંદર મારીચિ નામના દૂતને મોકલ્યો. મારીચિએ આવીને અનિઘોષની પાસે આવીને કહ્યું, ‘મહારાજા ! ભલે તમે અજ્ઞાન પરવશ થઈ સિંહ સમા વિજયરાજાને છેતરીને સુતારાદેવીનું અપહરણ કર્યું, પણ હવે દેવી અમારા સ્વજન છે, આથી દેવી અમને આપીદો. કારણકે અમારે અમારા સ્વજનની ઉપેક્ષા ન કરવી જોઈએ.'
દૂતની આ વાત સાંભળી અશનિઘોષ અત્યંત રોપાયમાન બનીને બોલ્યો, ‘અરે દૂત ! તારો પ્રભુ યમરાજાના ઘરે જવાની ઈચ્છાવાળો હોવાથી આવું વાંકુ બોલે છે. અરે તુચ્છ ! તમારી દેવી તમને નહિ મળે. તારા વિજયરાજાને યુદ્ધ માટે તૈયાર કર. હું તરત જ આવું છું.’ આટલું બોલીને અશનિઘોષે દૂત મારીચિને સભાની બહાર કઢાવ્યો. દૂત મારીચિએ આવીને બનેલી સર્વબીના રાજા વિજયને કહી. આ સાંભળતા જ મોટા મોટા હુંકાર કરતા યુદ્ધ માટે તૈયાર થયા. યુદ્ધ માટે તૈયાર થયેલા આ સૈનિકોમાંથી કોઈક પોતાના બાણને જોવા લાગ્યા, કોઈક તલવારને, કોઈક બાહુ દંડને, કોઈક બર્ડીને, કોઈક બર્છાને, કોઈક ભાલાને અને કોઈક બાવલ્લ (શસ્ત્ર વિશેષ)ને જોવા લાગ્યા. એ સમયે રણભેરી વાગી અને શ્રી વિજયરાજાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર થયું.