________________
૨૦૬
श्री सङ्घाचार भाष्यम्
વધુ હોય તેવો અપવાદ આચરવાનો નથી. આવા અપવાદનું સેવન કરનાર પરમાત્માના શાસનની લઘુતા કરનાર છે. આ સેવન અલ્પ સત્ત્વવાળા જીવોનો વિલાસ છે, સંસારને તરવા માટે તણખલાના આલંબન લેવા જેવો છે. આ પ્રમાણે તે સર્વથા અહિતકારક છે એવો વિચાર કરવો. આ વિષયમાં પ્રવચનની ગંભીરતા જોવી. ઉત્તમ દૃષ્ટાંતોમાં પ્રયત્ન કરવો આ જ કલ્યાણકારી માર્ગ છે.
શ્રી દત્તાની જેમ અતિચારવાળુ અનુષ્ઠાન અનર્થકારી બને છે તેવું આગળ કહ્યું હતું. તેમાં શ્રી દત્તાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
શ્રી દત્તાનું દૃષ્ટાંત :
પૂર્વ મહાવિદેહમાં રમણીય વિજય છે. ત્યાં વૈતાઢ્ય નામનો પર્વત છે. વૈતાઢ્ય પર્વતમાં શિવમંદિર નામનું સુંદર નગર છે. કીર્તિધર નામનો વિદ્યાધર રાજા છે. તેની પત્નીનું નામ અનિલવેગા છે. અનિલવેગાની કુક્ષિએ ગજ, વૃષભ અને કળશ આ ત્રણ સ્વપ્રો સૂચિત પ્રતિવાસુદેવ જન્મ્યો. તેનું નામ દમિતારિ પાડ્યું.
કેટલાક કાળ બાદ કીર્તિધર રાજાએ પુત્ર દમિતારિને પોતાનું રાજ્ય આપીને શ્રી શાંતિનાથ પ્રભુની પાસે સંયમનો અંગીકાર કર્યો. દમિતારિ પ્રતિવાસુદેવે વિદ્યાધરો અને રાજાઓને જીતી લઈને ચક્રને અનુસરીને વિજયાર્કને સાધ્યો.
આ બાજુ દમિતારિ રાજાની રાણી મકરાદેવીને પોતાની કાંતિથી સુવર્ણની શોભાને જીતનારી કનકશ્રી નામે પુત્રી થઈ. એક દિવસ દમિતારિની પાસે અચાનક આકાશમાંથી નારદઋષિ આવીને ઊભા રહ્યા. દમિતારિએ ઊભા થઈને નારદઋષિનું આસનાદિ દ્વારા સત્કાર કરીને પૂછ્યું, ‘હે મુનિ ! તમે કોઈ આશ્ચર્યને દેખ્યું છે ?’ ‘રાજા ! સ્વર્ગમાં પણ અસંભવે એવું આશ્ચર્ય આજે જ દેખ્યું. શુભાપુરી નગરીમાં મહાવીર્યવાળા અપરાજિત અને અનંતવીર્ય નામના રાજા છે. તેમની આગળ બર્બર અને કિરાતકુળની દાસીઓ દ્વારા કરાતું મન અને નયનને આનંદ કરનારુ નાટક જોયું. આ નાટક મારા પૃથ્વી તથા આકાશના પરિભ્રમણનું ફળ હતું. ’ ‘રાજન ! જેમ સૌધર્મ દેવલોક ના શક્રેન્દ્ર આશ્ચર્ય કારી વસ્તુઓનું સ્થાન છે તેમ વિજયાર્ધમાં પૃથ્વીના ઈન્દ્ર સમાન તમે છે. અહીંયા આશ્ચર્યકારી બધી જ વસ્તુના સ્થાન તમે છો, પરંતુ બીજું કોઈ જ નથી. પણ, રાજા રાજ્યાદિ શ્રેષ્ઠ વસ્તુઓ ભલે તારી પાસે હોય તો પણ પેલું નાટક ન હોય ત્યાં સુધી કાંઈ નથી.’
આટલુ બોલી નારદઋષિ આકાશમાર્ગે ઊડીને ચાલ્યા ગયા. દમિતારિએ પોતાના દૂતને આદેશ આપ્યો. દૂતે શુભપુરી નગરીમાં જઈને બળદેવ અપરાજિતને અને વાસુદેવ અનંતવીર્યને કહ્યું, ‘તમારા નગરમાં જે સુંદર વસ્તુઓ છે તે દમિતારિ રાજાની છે. તેથી જ રાજરાજેશ્વર દમિતારિને તારા આ દાસીરત્નોને સોંપી દે.’