________________
૨૦૮
श्री सङ्घाचार भाष्यम् માતાને બળદેવને સૂચવનારા હાથી, બળદ, ચંદ્ર અને સાગર આ ચાર સ્વપ્ર આવેલા. બીજો પુત્ર અનંતવીર્ય છે, તેની માતાને પણ લક્ષ્મી, સિંહ, સૂર્ય, ઘડો, રત્ન, સમુદ્ર અને અગ્નિ આ સાત વાસુદેવપણાને સૂચવનારા સાત સ્વપ્રો આવેલા. અનંતવીર્ય ગુણોથી પણ અદ્વિતીય અનંતવીર્ય છે. કામદેવ કરતા પણ તેનું રૂપ અતિસુંદર છે. તેના બધાં શત્રુઓ મરી પરવાર્યા છે. તે સ્થિરતામાં ગિરિસમાન છે. તેની પાસે અપાર સંપત્તિ છે. ખરેખર આ પૃથ્વીમાં તેના સમાન કોઈ નથી.”
કનકશ્રી દાસીના મુખથી અનંતવીર્યના ગુણો સાંભળી રોમાંચિત થઈ ગઈ અને તેને કહ્યું, “એ નગરીમાં તે સ્ત્રી ધન્ય છે જેના અનંતવીર્ય સ્વામી છે. મને એ અનંતવીર્યના ક્યારે દર્શન થશે? - બળદેવે કહ્યું, “જો તારી ઈચ્છા હોય તો અનંતવીર્યને અહીંયા લાવી દઉં.'' કનકશ્રીએ પણ કહ્યું કે તમે મારી ઉપર કૃપા કરીને અનંતવીર્યને અહીંલાવો. અપરાજિત અને અનંતવીર્યે પોતાના રુપને પ્રગટ કર્યું. કનકશ્રીએ અનંતવીર્યને કહ્યું, હું તમારી સેવિકા છું, તમે મને આદેશ આપો.”
“સુંદરી, ચાલ તૈયાર થઈ જા. આપણે શુભ નગરી જઈએ.” વાસુદેવે કનકશ્રીને કહ્યું. "
“સ્વામિનાથ, મારા પ્રાણોનું ભલે ગમે તે થાય એની મને ચિંતા નથી. પણ વિદ્યાઓથી બળવાન મારા પિતા તમારા અનર્થને કરશે. મને તો આપત્તિ દેખાય છે.”
“અરે ભીરુ! તું ભયભીત ન થા. તારા પિતા અમારી આગળ કોઈ નથી.” વાસુદેવે આ પ્રમાણે કહેતા કનકશ્રીએ વાસુદેવ દ્વારા બનાવવામાં આવેલ વિમાનમાં બેસી ગઈ.
કનકશ્રી વિમાનમાં બેસી ગયા પછી વાસુદેવે આકાશમાં રહીને ઘોષણા કરી, “હે દમિતારિ આદિ રાજાઓ! તમે સાંભળી લો. પોતાના ભાઈ અપરાજિત સાથે આવીને અનંતવીર્ય કનકશ્રીને લઈ જાય છે. તમે એમ નહિ કહેતા કે અનંતવીર્ય કનકશ્રીને ચોરીને લઈ જાય છે.” તમે શસ્ત્રને ધારણ કરો શીધ્ર આવીને આ તમારી કન્યાને મૂકાવો. તમે તમારી શક્તિની ઉપેક્ષા ન કરો. આ પ્રમાણે ઘોષણા કરીને તેઓ પોતાના નગર તરફ ચાલ્યા ગયા.
વાસુદેવની ઘોષણાને સાંભળીને જાણે ઘોંચ પરોણો કર્યો હોય તેમ પ્રતિવાસુદેવ દમિતારિ ક્રોધે ભરાણો. પોતાનું સઘળું સૈન્ય લઈને મારી સામે આ પૃથ્વીમાં કોણ પાક્યો છે એ પ્રમાણે બબડતો દમિતારિ વાસુદેવની પાછળ ચાલ્યો.
આ બાજુ બળદેવ વાસુદેવને હળ- ધનુષ્ય આદિ રત્નો ઉત્પન્ન થયા. વિદ્યાથી તેમણે દમિતારિ કરતા પણ બમણા સૈન્યની રચના કરી. તેઓ પણ દમિતારિ સામે યુદ્ધ કરવા ચાલ્યા. યુદ્ધમાં દમિતારિના સૈન્યનો નાશ કર્યો. પોતાના સૈન્યનો નાશ થતા દમિતારિ સ્વયં યુદ્ધ કરવા આવી ગયો. યાદ કરતા ચક્ર આવી પહોંચ્યું.