________________
૧૦૦
श्री सङ्घाचार भाष्यम् પૂર્વમાં કરેલા સુકૃતોનું પુણ્ય જ્યારે ઓછું થઈ જાય છે ત્યારે માણસ ફેંકાઈ જાય છે તેમ લોકો જીવ લઈને ભાગંભાગ કરવા લાગ્યા, કારણ સહુને પોતાનો જીવ વ્હાલો હોય છે. હાથી મોટા ગાડાઓનો તડતડ કરીને ભુક્કો બોલાવવા લાગ્યો. માલની ગુણોના તળીયાને તોડવા લાગ્યો, બળદોને ચીસો પડાવવા લાગ્યો. કરીયાણાને સૂંઢથી ઉપાડી ઉપાડીને ચારે બાજુ ફેંકવા લાગ્યો.
આમ, તોફાન મચાવતા આ હાથીને સિંહ સમાન સિંહચંદ્ર રાજર્ષિએ દેખ્યો, પણ ઉપસર્ગ પરિષહને સહન કરવામાં સમર્થ, ધ્યાનમાં નિશ્ચળ, ઉત્તમ સત્ત્વવાળા, મેરુપર્વતની જેમ સ્થિરગાત્રવાળા, નિર્ભય અને જેમનું મન સહેજ પણ ખળભળ્યું નથી એવા મહાત્મા એક સ્થાનમાં કાઉસ્સગ્ન કરીને ઊભા રહ્યા છે.
અત્યંત ક્રોધે ભરાઈ પોતાની ઈચ્છા મુજબ સાર્થને છિન્નભિન્ન કરી નાંખતા હાથીએ પડાવમાં ભમતાં ભમતાં સિંહચંદ્ર ઋષિને દેખ્યા. મુનિને દેખતાની સાથે તેને તેની વિશાળ અને પ્રચંડ સૂંઢને કુંડળની જેમ વાળી અત્યંત ભયંકર બનાવી. શરદઋતુની જેમ સૂંઢનો અગ્રભાગ લાલ થઈ ગયો. પ્રલયકાળનો પવન જેમ પર્વતોના શિખરોને ફેંકતો હોય તેવા આડંબરને પૃથ્વી ઉપર ધારણ કર્યો. ભયંકર ક્રોધને કારણે મોટા ચિત્કાર કરવા લાગ્યો. ચણોઠી જેવી લાલ આંખો કરી અશનિવેગ હાથી સાધુ ભગવંત તરફ દોડ્યો. ત્યારે લોકોએ હાહાકાર મચાવી દીધો.
“અરે! આ સિંહચંદ્ર રાજર્ષિનું રક્ષણ કરો, રક્ષણ કરો. આ દુષ્ટ હાથી આ મહાત્માને યમરાજાના ઘરમાં લઈ જાય છે.”
હાથીએ આ ઉત્તમ મહાત્માના દર્શન કર્યા. આજ સુધી નહિ દેખેલ એવા ઉત્કૃષ્ટ મહાત્માના દર્શન થવાથી હાથી જાણે ખંભિત થઈ ગયો હોય તે રીતે અચાનક તેના પગ ઉપર સ્થિર થઈ ગયો. ઉપશમ નિતરતી આંખોવાળા મહાત્માને જોતાં તેનું હૃદય તથા વદન વિકસિત થઈ ગયું. નાગરાજે (હાથીએ) પોતાની સૂંઢને મોટા અને નિર્મળ બેદાંત વચ્ચે રાખીને મુનિને એકીટશ આંખે જોતો વિચારવા લાગ્યો કે મેં આ મહાત્માને પૂર્વમાં ક્યાંક જોયેલા છે.
આવો વિચાર કરતા કરતા હાથીને જાણે આગળનું બધું પણ યાદ આવી જાય તે માટે જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મની સ્મૃતિ થતાં તે આંસુથી ભૂમિને ભીની કરતો મહાત્માના ચરણોમાં એકાએક આળોટવા લાગ્યો. મહાત્માએ ઉપયોગ મૂક્યો અને જાણ્યું કે હાથીને જાતિસ્મરણ થતાં તે સંવેગભાવથી ભાવિત બન્યો છે. મહાત્માએ પ્રતિમા પારીને કોમલ વાણીથી ઉપદેશ આપ્યો,
હે સિંહસેન! તમે વિષાદગ્રસ્ત ન બનો. તમે દાન અને શીલ ધર્મની સુંદર આરાધના કરી છે જેથી તમે નરકમાં તો નથી ગયા. ગત ભવમાં ધનપરની મૂછને કારણે આ ભવમાં તમને તિર્યચપણ પ્રાપ્ત થયું છે. અશનિવેગ હાથી વિસ્મયને પામ્યો.