________________
श्री सङ्घाचार भाष्यम्
૭૩
સિદ્ધાયતનના દરેક દ્વારની આગળ મુખમંડપ છે. મુખમંડપની આગળ પ્રેક્ષા મંડપ (રંગમંડપ) છે, રંગમંડપની મધ્યમાં અક્ષપાટક છે, અક્ષપાટકની મધ્યમાં મણિ પીઠિકા છે, મણિ પીઠિકાની ઉપર ચૈત્ય સ્તૂપ છે, ચૈત્યસ્તૂપની આગળ એક મણિ પીઠિકા છે. મણિપીઠિકાની ઉપર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની આગળ મણિ પીઠિકાની ઉપર મહેન્દ્ર ધ્વજ છે, મહેન્દ્ર ધ્વજ પછી વાવડી છે.
સિદ્ધાયતનની મધ્યમાં મણિપીઠિકા છે. મણિપીઠિકા ઉપર દેવછંદામાં ૧૦૮ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી ૫૦૦ ધનુષ્યના છે. આ પ્રભુજી સિંહાસન ઉપર પર્યંકાસને બિરાજમાન છે.
અધોલોકમાં અને ઊર્ધ્વલોકમાં સર્વે શાશ્વત પ્રતિમાઓ ઉત્સેઘાંગુલથી સાત હાથ પ્રમાણ છે. અને તિર્આલોકમાં ૫૦૦ ધનુષ્ય પ્રમાણના પ્રતિમાજી છે.
જિનપ્રતિમાના સ્વરૂપનું વર્ણનઃ હાથનું તળીયું તપનીય સોનાનું છે. નખ અંકરત્નના છે. નખનો મધ્યભાગ લોહિતાક્ષ રત્નોની લાલિમાવાળો છે. પગ-એડી જંઘા-ઘુંટણ-સાથળ અને ધડ સુવર્ણના બનેલા છે. નાભિ તપનીય સુવર્ણની છે. રોમરાજી રિષ્ટ રત્નોની છે. સ્તનનો અગ્રભાગ તપનીય સોનાનો છે. ભુજા, પાંસળી અને ગ્રીવા સોનાના છે. મૂંછ રિષ્ટ રત્નની છે. હોઠ પરવાળાના છે. દાંત સ્ફટિક રત્નના છે. જીભ અને તાળવું તપનીય સોનાનું છે. નાક સોનાનું છે. નાકના મધ્યભાગમાં લોહિતાક્ષ રત્નની લાલિમા છે. કીકી પાંપણ અને ભવા રિષ્ટ રત્નના છે. ગાલ કાન અને લલાટ સોનાના છે. ખોપરી વજ્ર રત્નની છે. કેશની ભૂમિ તપનીય સોનાની છે અને કેશ રિષ્ટ રત્નના છે.
આ જિનપ્રતિમાની પાછળ બે-બે છત્રધારિણી પ્રતિમા હોય છે. બંને પડખે ચામરધારીઓ હોય છે. પ્રભુજીની આગળ બે બે નાગદેવ, ભૂતદેવ, યક્ષ અને કુંડધારકની પ્રતિમા હોય છે.
સિદ્ધાયતનમાં ઘંટાઓ, ચંદનના ઘડા, ઝારી, દર્પણ, બાજોઠ, પુષ્પાદિ ફુલની ગંગેરી, તેલના દાબડા તથા છત્ર આદિ હોય છે.
સુધર્મા સભામાં માણવક ચૈત્યના સ્તંભ ઉપર વજના દાબડાઓમાં જિનેશ્વર પ્રભુના અસ્થિ છે.
હે સ્વામી! આ પ્રતિમાજી અને પ્રભુના અસ્થિ આપના માટે તથા વિજયા રાજધાનીમાં રહેવાવાળા ઘણાજ દેવદેવીઓને માટે ગંધ આદિથી અર્ચના યોગ્ય છે. પ્રભુના ગુણોની સ્તવના દ્વારા વંદન કરવા યોગ્ય છે, પુષ્પ આદિથી પૂજવા યોગ્ય છે, વસ્ત્રાદિથી સત્કારવા યોગ્ય છે, અંજલિબદ્ધ આદિ પ્રણામો દ્વારા સદૈવ સન્માનવા યોગ્ય છે. કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચૈત્યસ્વરૂપ આ પ્રતિમાજી આદિ પર્યુપાસના કરવા યોગ્ય છે.