________________
૧૬] રાગ અને વિરાગ
અને છેવટે સુંદરીની મૂક વિનવણી સાર્થક થઈ, એની તપસ્યા ફળીભૂત થઈ અને રાજા ભરતે સુંદરીને ત્યાગનો માર્ગ સ્વીકારવાની અનુમતિ આપી.
સુંદરી ભગવાનના ધર્મસંઘમાં ભળી ગઈ.
બ્રાહ્મી અને સુંદરીની બેલડી તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયને માર્ગે પોતાના જીવનને અજવાળી રહી.
સો ભાઈઓમાંથી અઠ્ઠાણું તો ત્યાગી બની ગયા હતા, અને બ્રાહ્મી અને સુંદરી પણ એ જ માર્ગે જઈ પહોંચી હતી.
ઋષભદેવના સંતાનોમાં હવે સંસારમાં રહ્યા માત્ર બે જણા જ : * સુમંગલાનો પુત્ર ભરત અને સુનંદાનો પુત્ર બાહુબલી.
રાજા ભરતને પણ હવે પોતાનો ચક્રવર્તી વિજય પૂરો થવામાં થોડીક જ ઊણપ હતી. બાહુબલી પોતાની આમન્યા સ્વીકારી લે કે વાત પૂરી થઈ સમજો. પછી પોતે છ ખંડ ધરતીનો ચક્રવર્તી બની રહેવાનો. જાણે રાજા ભરત પોતાના આ અહંકારને મનોમન વાગોળ્યા કરતો હતો, એના કેફમાં રાચ્યા કરતો હતો.
પણ વાત ધારી હતી એવી સહેલી ન નીકળી.
અયોધ્યાથી રાજા ભરતનો રાજદૂત તક્ષશિલાના રાજા બાહુબલી પાસે ચક્રવર્તીની આમન્યા સ્વીકારવાની વાત લઈને રવાના થયો.
બાહુબલીનાં બળ અને સત્તાનો સૌને ખ્યાલ હતો. દૂતે મીઠા મીઠા શબ્દોમાં બાહુબલીને મોટા ભાઈની આમન્યાને શિરોધાર્ય કરવાની વાત કહી, પણ બાહુબલી કાંઈ ગાંજ્યો જાય એવો ન હતો.
એને વાતનો મર્મ પકડતાં વાર ન લાગી. એણે તો દૂતને સાફ સાફ સંભળાવી દીધું : “ પિતાનું આપ્યું રાજ્ય હું ભોગવું છું, એમાં ભરતને લાગેવળગે શું ? એનું એ ભોગવે અને મારું મને સુખ ભોગવવા દે. ન્યાય અને નીતિનો એ જ સાચો માર્ગ છે. મોટો ભાઈ હોય તો ય આવી
આમન્યા અમને ન ખપે ! નાનાને દબાવે એ તે વળી મોટો કેવો ? " Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org