________________
ઇતિહાસની થોડીક પ્રસાદી ૨૪૧ માતાની મમતાભરી હૂંફમાં, કોઈ પણ જાતની ઉપાધિ વગર, પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં આનંદ-વિલાસમાં જ બધો વખત વિતાવતા હતા; બહારની દુનિયાનો તેમને જરાય ખ્યાલ ન હતો. એટલે શેઠાણીએ રાજાજીને પોતાના મકાને પધારવા વિનંતી કરી. રાજા શ્રેણિકને તો શાલિભદ્ર શેઠને નજરે જોવાનું ઘણું કુતૂહલ હતું, એટલે તેમણે એ વાત પણ કબૂલ કરી.
અને નક્કી કરેલ વખતે રાજા શ્રેણિક શાલિભદ્ર શેઠના મકાને પધાર્યા. શાલિભદ્ર શેઠ તો ત્યારે પણ પોતાના આનંદવિલાસમાં મગ્ન હતા. માતાએ રાજા શ્રેણિક પધાર્યાની વાત કરી એટલે શાલિભદ્ર તેમની ઓળખ પૂછી. માતાએ કહ્યું : “બેટા, શ્રેણિક કોઈ સાધારણ માણસ નથી; તે તો આ નગરનો અને આખાય મગધ દેશનો રાજવી છે. તું, હું અને બીજા બધા મગધવાસીઓ એના પ્રજાજન છીએ; એ આપણા બધાનો માલિક ગણાય !”
શાલિભદ્ર માટે તો આ વાત નવી હતી. પોતાના માથે પણ કોઈ ઉપરી છે, એ વાતની તો એને કલ્પના સુધ્ધાં ન હતી ! માતાજીના મુખથી આવી વાત સાંભળી તેના મનમાં જબરું આંદોલન શરૂ થયું – ઝંઝાવાતથી સમગ્ર વાતાવરણ ખળભળી ઊઠે તેમ. પોતે પરાધીન છે એ વાત સ્વીકારવા તે તૈયાર ન હતો. પણ એક નર્યા સત્યનો અસ્વીકાર પણ શી રીતે થઈ શકે ? આ બીના તેના માટે અસહ્ય થઈ પડી !
અને તેણે આવી સ્થિતિનો અંત આણવાનો ઉપાય યોજ્યો; પરમાત્મા મહાવીર દેવના ચરણે જઈને તેણે પંચ મહાવ્રત અંગીકાર કર્યો. અને જે ઋદ્ધિમાં કોઈની પણ તાબેદારી કરવાની ન હોય, તેવી આત્મિક ઋદ્ધિની શોધમાં તેણે પોતાના એક વખતના વિલાસપ્રેમી દેહને જોડી દીધો ! તે દિવસે આત્માએ પુદ્ગલ ઉપર વિજય મેળવ્યો !
શાલિભદ્રની પાર્થિવ ઋદ્ધિ ઇચ્છનાર આપણે તેની સાચી અને સદાકાળ ટકી રહેનાર આવી ઋદ્ધિને ચાહતા ક્યારે થઈશું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org