________________
૨૦૦રાગ અને વિરાગ ઝડપી ગણતરી કરવાની સૂઝે માર્ગ દેખાડ્યો, અને ધીમે ધીમે ભાગ્ય યારી આપતું ગયું. જોતજોતામાં ગઈ કાલના ગરીબ લક્ષ્મીચંદ સાચા લક્ષ્મીચંદ બન્યા.
ધન વધ્યું તેમ ધર્મભાવના વધતી ગઈ, ધર્મકાર્યમાં ધનનો સદ્વ્યય કરવાની ઉદારતા વધતી ગઈ અને ધન અને ભોગ તરફની અનાસક્તિ તો ગરીબી અને તવંગરીને સમાન ભાવે જીરવી જાણે એવી, ને એવી જ સ્થિર રહી.
શેઠનું કુટુંબ મોટું હતું : ત્રણ દીકરા, એક દીકરી, દીકરાને ઘેર દીકરા ! અને પછી તો કાકા-મામા અને એમના દીકરા, દીકરાઓના સાળા-સાઢું અને એમનાય દીકરા અને બીજાય દૂરદૂરનાં સગાંવહાલાં – એ સૌનો જાણે એમના કુટુંબમાં સમાવેશ થઈ જતો ! શેઠની સંપત્તિ મોટી હતી, એના કરતાંય એમનું દિલ ઘણું મોટું હતું અને રસોડું અને રહેઠાણ પણ એવું જ મોટું હતું. કોઈ માણસ અઠવાડિયાઓ સુધી મહેમાન બનીને લીલાલહેર કરે તોય શેઠના ઘરમાં કોઈ એને એમ પૂછનાર ન મળે કે, “ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો, ક્યારે આવ્યા છો, શું કામે આવ્યા છો અને કોનાં સગાં થાઓ છો ?” એક જણ જાણે કે આ બીજા કોઈના સગા હશે; બીજો માને કે આ ત્રીજાના સગા હશે, કે કોઈ વેપારી કે ધર્મની ટીપ કરનાર આવ્યા હશે ! મકાનમાં જાણે હંમેશાં ઘરવાળા, સગાં અને મહેમાનોનો મેળો જ જામેલો રહેતો.
શેઠ માનતા હતા કે ગઈકાલે ગરીબી હતી ત્યારે તો કોઈની મહેમાનગતી બહુ નહોતી થઈ શકતી, મહેમાન પણ ભાગ્યે જ આવતા. અને સારે કામે સહધર્મીઓ અને બીજાઓના આવવાની તો કોઈ વાત જ ન હતી. હવે જ્યારે ભગવાને બે પૈસા આપ્યા છે તો એનો લાભ બને એટલો લઈ લેવો. મહેમાન તો દેવ ગણાય. આપકમાઈના ધનને લેખે લગાડવામાં શેઠને જીવનની અને ધનની કૃતકૃત્યતા લાગતી.
શેઠનું મકાન પણ જંગી હવેલી. મોટું ભોંયરું, ઉપર ચાર માળ અને માળમાળે ઓરડા. આંગણું અને ચોક પણ એવાં વિશાળ કે કોઈ રજવાડાની અસલ મોટી કોઠી જ જોઈ લો ! ગમે તેટલા માનવી આવીને વસે તોય બીજાને માટે જગા ખાલી મળે ! મન મોટું અને મકાન પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org