________________
૧૨૮ રાગ અને વિરાગ ઊપસી આવતી હતી. સગપણનો સ્વાદ જાણે એના ગંભીર મોંઢાને પણ મલકાવી ગયો !
સૌને લાગ્યું કે જુવાન કેવો લહેરી બની ગયો ! ' પણ અરે, એનો એ સ્વાદ હમણાં હમણાં ક્યાં અલોપ થઈ ગયો ? એની એ લહેર ક્યાં ઊડી ગઈ ? આવો ફૂટડો જુવાન આવો ઉદાસ બનીને કાં ફરે ? શું કોઈએ એના ઉપર મંત્ર ચલાવ્યો ?
એને કોઈની સાથે બોલવું ગમતું નથી; ક્યાંય જવું-આવવું ગમતું નથી. કોઈ બોલાવે છે તો ય માઠું માઠું લાગી જાય છે અને કોઈ વધુ પૂછપરછ કરે તો એ રોવા જેવો બની જાય છે.
ભલા, આવો જોરાવર જુવાન ઓશિયાળો ઓશિયાળો કાં લાગે ? એને થયું છે શું ?
અને હવે તો એ બહાવરો ફરે છે, અને રઘવાયો રઘવાયો દેખાય છે ! એના મનને કોઈ જાતની નિરાંત જ નથી. ક્યાં ગઈ એની ગંભીરતા ? અને ક્યાં અલોપ થઈ ગઈ એની હિંમત ? ' અરેરે, હવે તો એ ગાંડા જેવો બની ગયો ! મા અને મોટા ભાઈ બહુ ચિંતા કર્યા કરે છે. કોઈ કાંઈ પૂછે તો એનો એ ઉત્તર આપતો નથી. એ તો મનોમન જ મૂંઝાયા કરે છે, મૂંગો મૂંગો ફર્યા કરે છે.
ક્યારેક એ ગામને ગોંદરે કે ખેતરોમાં રખડે છે, તો ક્યારેક વળી જળાશયને કાંઠે લાંબો વખત બેસી રહે છે. જોનારને લાગે છે કે આ એ યુવાન જ નહીં !
રે જુવાન ! આ તને થયું છે શું ? તારા અંતરમાં એવું તે કેવું હૈયાવલોણું ઘૂમરીઓ લઈ રહ્યું છે ?
પણ કોઈને કશી ખબર પડતી નથી. અને છતાં જુવાન તો મનમાં બળ્યા જ કરે છે !
સગપણ થયું અને થોડાક દિવસે જ કોઈક એના અંતરમાં તિખારો વેરી ગયું : “ભલા જુવાન ! તું કેવો સુંદર અને તારી વહુ કેવી રૂપ-રંગ વગરની ! આ તો કાગડીની ડોકે હીરો બાંધવા જેવું ગણાય ! બીજી કોઈ કન્યા ન મળી તે આની સાથે સગપણ કર્યું ? "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org