________________
ભાવનાનાં મૂલ ` ૧૪૫
અને એ બધું જોઈને, જાણે પોતાની ભાવનાની સિદ્ધિનાં દર્શન કરતા હોય એમ, મહામંત્રી વસ્તુપાળ ગદ્ગદ બની જતા. એમનાં નેત્રો હર્ષાશ્રુથી ભીનાં બની જતાં. એમને પોતાનાં જીવન અને ધન કૃતાર્થ થયાં લાગતાં. અને એ કૃતાર્થતામાં ભાગીદાર બનવા આવેલા નરનારીઓને એ ભાવપૂર્વક વંદન કરતા.
આજે જાણે વસ્તુપાળ મહામંત્રી મટી ગયા હતા, પોતાનું મહામંત્રીપદ વીસરી ગયા હતા અને એક ધર્મપુરુષ બની ગયા હતા. સંઘપતિનું પદ એમને મન સર્વસ્વ જેવું બની ગયું હતું.
જેમ જેમ સંઘની સામગ્રી તૈયાર થતી ગઈ અને વધુ ને વધુ યાત્રિકો આવી પહોંચવા લાગ્યાં, તેમ તેમ એમનું મન વધારે ને વધારે હર્ષિત અને પ્રફુલ્લ બનતું ગયું.
કેટલા ય ધર્મગુરુઓ એ સંઘમાં સામેલ થવા આવી પહોંચ્યા હતા. એમાં શ્વેતાંબરો પણ હતા અને દિગંબરો પણ હતા. મારા-તારાના ભેદો ભૂલીને ધર્મપ્રેમીઓનો જાણે મોટો મેળો જામ્યો હતો.
મહામંત્રીની ધર્મભાવનાના સાનુકૂળ પડઘા નગરેનગર અને ગામેગામ ફરી વળ્યા હોય એમ, સેંકડો શ્રેષ્ઠીઓ, પોતાને છાજતા વૈભવ સાથે, વૈરાટ નગરીના પાદરમાં આવી પહોંચ્યા હતા.
આવા ધન્ય અવસરમાં કોઈ પાછળ રહી જવા માગતું ન હતું. સૌને હતું કે આવો લાખેણો અવસર મળ્યો કે મળશે.
સંઘની બધી તૈયારી પૂરી થઈ.
અને યાત્રા-પ્રયાણની શુભ વેળા પણ આવી પહોંચી. રાજા વીરધવલે ભારે ભાવપૂર્વક સંઘપતિને વિદાયમાન આપ્યું. નગર આખું આસોપાલવનાં તોરણોથી શોભી ઊઠ્યું. નગરના નર-નારીઓએ અબીલ, ગુલાલ અને પુષ્પો વરસાવીને સંઘપતિને અને યાત્રિકોને વિદાય આપી.
વાજિંત્રોના ગંભી૨ અને મધુર નાદોથી આકાશ ગુંજી ઊઠ્યું. અને એ રીતે સંઘે તીર્થાધિરાજ શત્રુંજય તરફ પ્રયાણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org