________________
૧૪૪ રાગ અને વિરાગ
ન
આવો જશ લેવો કોને ન ગમે ? પણ ગુરુ પણ ભારે વિચક્ષણ અને વિવેકવંત હતા.
નરચન્દ્રસૂરિએ કહ્યું : “ મહાનુભાવ, અમે છીએ મલધારી ગચ્છના, અને તમારા કુળમાં હંમેશાં નાગેન્દ્ર ગચ્છના ગુરુની આજ્ઞા પ્રવર્તે છે. અમે તો તમારી સાથે જ છીએ, પણ નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરિશ્વરજીને બોલાવીને એમની પાસેથી સંઘપતિપદના આશીર્વાદ લ્યો, એ જ ઉચિત ગણાય. વિનય એ ધર્મનું પહેલું પગથિયું લેખાય. એને કદી ન ચૂકીએ!”
મહામંત્રી ગુરુની વિવેકભરી વાણીને વંદી રહ્યા.
મહામંત્રીનો પ્રાર્થનાપત્ર મળ્યો અને આચાર્ય વિજયસેનસૂરિ તરત જ આવી પહોંચ્યા. એ પણ એટલા વિવેકવંત હતા. એમણે નરચન્દ્રસૂરિને પોતાની સાથે રાખ્યા. અને બંને ગુરુઓએ સાથે રહીને મહાઅમાત્ય વસ્તુપાળને સંઘપતિપદના આશીર્વાદ આપ્યા.
આખા નગરમાં એ પ્રસંગ એક મહોત્સવ જેવો બની ગયો. જાણે કોઈ રાજ્યતિલકનો અવસર હોય એવી રીતે સંઘપતિપદના તિલકનો ઉત્સવ પ્રજાએ ઊજવ્યો. બધે આનંદ આનંદ થઈ રહ્યો.
પછી તો ગામેગામ આમંત્રણો મોકલવામાં આવ્યાં. અને અત્યાર સુધી ન નીકળ્યો હોય એવો મોટો યાત્રાસંઘ કાઢવાની બધી તૈયારીઓ થવા માંડી. એ તૈયારીમાં કશી વાતની ખામી ન રહે, એ માટે મહામંત્રી વસ્તુપાળ પોતે, અને મંત્રી તેજપાળ અને અનુપમાદેવી રાતદિવસ ધ્યાન આપવા લાગ્યાં.
થોડા વખતમાં તો હાલતાંચાલતાં અનેક દેવમંદિરો, હાથીઓ, ઘોડાઓ, સેંકડો સુખપાલો, વેલો, રથો, હજારો ગાડાંઓ, રખેવાળો અને ઉતારા માટે અસંખ્ય તંબૂઓ તૈયાર થઈ ગયાં.
ગામેગામથી ભાવિક નર-નારીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચ્યાં અને ધોળકા નગરની ચોતરફની વિશાળ ધરતી જાણે સાંકડી બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org