________________
મહાકવિ ધનપાલ [ ૧૬૫
ધનપાલે હજી યૌવનમાં ડગ માંડ્યાં ન હતાં અને મૂછનો દોરો પણ હજી ફૂટ્યો ન હતો, ત્યારે એક દિવસ એણે જોયું કે પિતાના મુખ ઉપર ઉદાસીનતા છવાઈ છે.
એણે નમ્રતાથી પૂછ્યું : “ પિતાજી, આજે આપ શી ચિંતામાં પડ્યા છો ? આપની આજ્ઞા ઉઠાવનાર હું અને મારો નાનો ભાઈ શોભન બેઠા છીએ અને આપને ઉદાસીન થવાનું શું કારણ હોય ? જે કંઈ હોય તે આજ્ઞા કરો.”
સર્વદવે ગંભીર બનીને કહ્યું : “વત્સ, વાત કંઈક એવી જ છે. મારા બે પુત્રોમાંથી એકને અહિંસાધર્મની - શ્રમણધર્મની દીક્ષા અપાવવા હું વચનથી બંધાયો છું. આજે એ વચનપાલનની ઘડી આવી પહોંચી છે. હું ઈચ્છું કે તું શ્રમધર્મનો સ્વીકાર કરી અને મારી પ્રતિજ્ઞાથી મને મુક્ત કર !”
પણ ધનપાલ તો ભારે મનસ્વી જીવ હતો ? મનને ન રુચે એવું કામ કરે જ નહીં !
એ એક પળવાર વિમાસી રહ્યો : એક બાજુ પિતાની આજ્ઞા ખડી હતી, બીજી બાજુ અંતરની આજ્ઞાનો અવાજ સંભળાતો હતો; કયે માર્ગે જવું અને કોની આજ્ઞા માનવી ?
થોડી વાર એ ચૂપ રહ્યો, પણ નિર્ણય કરતાં એને વધુ વખત ન લાગ્યો.
એણે દૃઢતાથી પિતાને ઉત્તર આપ્યો : “પિતાજી ! આપે આજ્ઞા કરી એ સાચી, અને પિતૃઆજ્ઞાનું પાલન પણ થવું જ જોઈએ. પણ એની પણ હદ હોય. જ્યાં મન સામો પોકાર કરતું હોય અને આજ્ઞાપાલનમાં પોતાના સ્વત્વનો અને ગૌરવનો લોપ થતો હોય ત્યાં વિચાર કરીને જ પગલું ભરવું ઘટે. શાસ્ત્રાભ્યાસનું એ પણ એક ફળ જ ગણાય કે પોતાના મનને ન રુચે એવું કામ કદી ન કરવું અને મનને કદી પણ ન છેતરવું. મનને છેતરનાર ખરી રીતે પોતાના આત્માને છેતરે છે. આપની આજ્ઞાનું પાલન મને કંઈક આવું જ લાગે છે. ”
સર્વદેવના મુખ ઉપર વિષાદની વધુ રેખાઓ ઊપસી આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org