________________
૧૪૬] રાગ અને વિરાગ
જાણે હાલતું-ચાલતું કોઈ મહાનગર હોય એમ સંઘ આગળ વધવા લાગ્યો.
ભાવિક જનો એ સંઘની ચરણધૂલિને નમી રહ્યા, મસ્તકે ચડાવી રહ્યા.
ગામેગામ આદર-માન પામતો અને નવાં નવાં ધર્મકાર્યો કરતો સંઘ તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં આવી પહોંચ્યો.
ગિરિરાજની ઉપયકામાં જાણે મહાનગર વસી ગયું.
ગઈકાલે ખાલી ખાલી અને વેરાન લાગતી ધરતી આજે કિલકિલાટ કરીને હસી ઊઠી. માનવમહેરામણ ત્યાં હિલોળા લેવા લાગ્યો. સામે ઊંચો ઊંચો વાદળ સાથે વાતો કરતો ગિરિરાજ, અને નીચે ક્યાંય સુધી વિસ્તરેલો માનવમહેરામણ : ભાવનાની ભરતીનાં જળ જાણે આજે ત્યાં માઝા મૂકતાં હતાં.
ચારેકોર આનંદ-ઉત્સવ ચાલી રહ્યા હતા. ભક્તોની મધુર સ્તુતિઓ વાતાવરણને મધુર અને મુખરિત બનાવતી હતી. દેવમંદિરોના ઘંટારવો પવનની પાંખે ચડીને દૂર દૂર વહી જતા હતા.
રંગબેરંગી ધજા-પતાકાઓથી આકાશનો ગુંબજ શોભી ઊઠ્યો હતો – જાણે વાદળમાં વસનારું ઈન્દ્રધનું આજે સંઘના વધામણે ધરતી ઉપર ઊતર્યું હતું.
શું એ શોભા ! અને શું એ આનંદ ! દેવોને ય દર્શન કરવા ધરતી - ઉપર ઊતરવાનું મન થાય એવું મનોરમ એ દૃશ્ય !
પહેલે દિવસે આખો દિવસ સંઘે આરામ કર્યો. • •
બીજા દિવસે ગિરિરાજ ઉપર આરોહણ કરીને દેવાધિદેવનાં દર્શન કરવાનાં હતાં. એ ધન્ય ઘડીની સૌ રાહ જોઈ રહ્યાં.
સૂર્યોદય થયો, અને જાણે મહામંત્રીની ભાવના સિદ્ધિની મંગળ ઘડી આવી પહોંચી.
સંઘે પર્વત ઉપર ચડવાનું શરૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org