________________
કલ્યાણગામી દાંપત્ય [ ૧૩૫
રાજા કહેવાય ! રાજા, વાજાં ને વાંદરાં ત્રણે સરખાં : રીઝે તો ખ્યાલ કરી દે. અને ખીજે તો ગાંઠનું પણ પડાવી લઈને ધાન ધાન અને પાન પાન કરી મૂકે ! માટે એની પહેલાંથી જ ચોખવટ કરી લેવી સારી !
“આ માટે શું કરવું ?" તેજપાળે પૂછ્યું.
રાજા વિરધવલને, એમની રાણી જયતલદેવી સાથે, આપણા આંગણે જમવા નોતરો અને એમને ઉત્તમ ભેટ આપો ! એટલે એ આપણી સ્થિતિ અને આપણા મનની વાત આપમેળે સમજી જશે.” અનુપમાએ કહ્યું.
એથી ? ” તેજપાળે પૂછ્યું.
“એથી તો બધી ચોખવટ કરવાનો વખત મળી જશે; અને આપણે સલામત થઈ શકીશું.”
રાજા વિરધવલ અને જયતલદેવી વસ્તુપાળ-તેજપાળને ત્યાં જમવા આવ્યાં. વસ્તુપાળે એમનું સ્વાગત કર્યું, અને તેજપાળ અને અનુપમાદેવીએ એમને ભાવપૂર્વક ભોજન કરાવ્યું. ભોજન પછી અનુપમાદેવીએ રાણીને બહુમૂલો હીરાનો હાર અને કાનના હિરેજડ્યાં અદ્ભુત કર્ણફૂલ ભેટ આપ્યાં. અને રાજાજીને પણ બહુ કીમતી ભેટ આપવા માંડી. પણ રાજાજીને માનપૂર્વક એનો અસ્વીકાર કરીને રાજ્યનું મંત્રીપદ સ્વીકારવાનો આગ્રહ કર્યો.
કીમતી ભેટો જોઈને રાજા-રાણી તો વિચારમાં પડી ગયાં. કેવો સાદો વણિક ! અને છતાં કેટલી બધી સંપત્તિ ! આ તો જાણે તરણા ઓથે ડુંગર !
તેજપાળને વાત કરવાનો અવસર મળી ગયો. એણે કહ્યું : “પ્રભુ ! આપ તો રાજ્યના ધણી. ચાહો તે કરી શકો. એટલે કાલે કોઈ અમારી સંપત્તિ માટે આપને ભરમાવે તો અમારી આબરૂ ય જાય અને સંપત્તિ ય જાય, માટે આપનું મંત્રીપદ લેતાં પહેલાં અમારી લક્ષ્મીને આપનું અભય મળવું ઘટે.”
રાજા વિરધવલ આ ભોજન અને ભેટનો મર્મ સમજી ગયા. એમણે તેજપાળે માગ્યું તેવું અભય આપ્યું. અને તેજપાળ મંત્રી બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org