________________
સાચું સંભારણું
* ગુરુદેવ ! ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર ઘણો થયો છે અને સામ્રાજ્યની શક્તિ અને સ્થિરતા પણ ચિંતા ઓછી કરવી પડે એવી વધી ગઈ છે. હવે તો કૃપા કરી કોઈક એવો માર્ગ બતાવો કે જેથી ગૂર્જર સામ્રાજ્યનું અને મારું નામ, કાળના સીમાડા વીંધીને, અમર બની જાય. ”
ગુરુ ગૂર્જર ચક્રવર્તીની વાત ધ્યાન દઈને સાંભળી રહ્યા અને થોડી વાર વિચાર કરીને બોલ્યા : “ રાજન ! કંઈક મોટાં મોટાં સામ્રાજ્યો કાળના અનંત અંધકારમાં વિલીન થઈ ગયાં; કંઈક માંધાતાઓ અને ચક્રવર્તીઓનાં નામનિશાન પણ ભૂંસાઈ ગયાં; અને વૈભવ-વિલાસના ધામ સમી એમની સંપત્તિ અને સાહ્યબી પણ સમયના ઊંડા પ્રવાહમાં એવી વહી ગઈ કે જાણે હતી જ નહીં ! આમાં પછી અમરતાનો આશીર્વાદ કેવી રીતે મળી શકે ? ”
રાજવી પળવાર વિમાસણમાં પડી ગયા. પછી વધારે વિનમ્ર બની પૂછી રહ્યા : “ તો શું ગુરુદેવ ! અમરતાનો કોઈ માર્ગ જ નથી ? શું અમરતાનો વિચાર ઝાંઝવાનાં નીર જેવો છેતરામણો કે માયાવી છે ?”
“ ના રાજનું, એમ તો કેમ કહેવાય ? પણ એ માટે મનને જાગ્રત કરવું જોઈએ અને પૂરતી તૈયારી હોવી જોઈએ.” જાણે ગુરુ ગૂર્જરપતિના મનનો તાગ લેવા માગતા હતા.
વાત કરનાર હતા, ગૂર્જરપતિ મહારાજા કુમારપાળદેવ અને જવાબ આપનાર હતા, આચાર્ય હેમચંદ્રસૂરિ.
વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધનો એ સમય. જાણે ત્યારે કાળા માથાના માનવી અને શક્તિના અખૂટ ઝરા સમી ભવિતવ્યતા વચ્ચે પોતાનું ધાર્યું કરવાની હોડ મંડાઈ હતી. ગૂર્જરપતિ જયસિંહ સિદ્ધરાજને બધું મળ્યું હતું, પણ વિધાતાએ એમને સવાશેર માટીની ભેટથી વંચિત
રાખ્યા હતા ! પુત્રનું મુખ જોવાનું સુખ એમને નસીબે નહોતું લખાયું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org