________________
ગૂર્જરપતિનું પ્રાયશ્ચિત્ત D ૧૦૯
ભંડાર જાણે સાક્ષાત્ યૌવનનો અવતાર જ સમજો !
પણ હજી ય આવો નર સાવ એકલો હતો; એનું અર્ધાંગ શોધવાનું હજી બાકી હતું. પ્રજાજનોને આનું ભારે અચરજ લાગ્યા કરે. એમના અંતરમાં તો પોતાના નવા રાજવીનાં લગ્નના લહાવા લેવાનો ઉમંગ ભરતીએ ચડ્યો હતો. રાજમાતાને પણ થતું હતું કે હવે સમય પાકી ગયો છે. મહામંત્રી મુંજાલ પણ કર્ણદેવનાં લગ્નની મંગલ ઘડીની હવે રાહ જોવા લાગ્યા હતા.
પણ આવા સિંહપુરુષને અનુરૂપ કન્યારત્ન શોધવું ક્યાંથી ? અને રાજા કર્ણને તો હજી ય જાણે લગ્નની કશી ખેવના જ ન હતી. એ તો ગૂર્જરભૂમિના રક્ષણમાં અને ગૂર્જરપ્રજાના ક્ષેમકુશળમાં પોતાનું મન પરોવીને સ્વસ્થ અને મસ્ત હતો.
પણ રાજા કર્ણ ભલે લગ્ન માટે બેપરવા હોય, વિધાતા કંઈ હાથ જોડીને બેસી રહ્યો ન હતો. એક દિવસ કર્ણાટ દેશના રાજા જયકેશીનો ચિતારો ગૂર્જરપતિની રાજસભામાં આવ્યો. એણે પોતાની અદ્ભુત ચિત્રકળા અને મોહક વાક્છટાથી રાજા અને પ્રજાનાં મન મોહી લીધાં. થોડાક દિવસ પછી, વખત પારખીને, એણે રાજા જયકેશીની પુત્રી રાજકુમારી મયણાદેવીના રૂપ, યૌવન, પરાક્રમ અને ગુણનું વર્ણન કરીને મહારાજા કર્ણ સાથે એના સગપણના શ્રીફળનો સ્વીકાર કરવા વિનંતી કરી.
ચિતારો સાચે જ ખૂબ કુશળ અને પ્રભાવશાળી હતો. એની વાણીના જાદુએ બધાનાં અંતર વશ કરી લીધાં હતા. રાજમાતા ઉદયમતીને તો માગ્યા મેહ વર્ષ્યા જેવું થયું. મહામંત્રીને પણ થયું કે આવો યોગ્ય અવસર વારે વારે નથી આવતો. પ્રજાજનોને ય એમ જ થયું. સૌનાં અંતરમાં કર્ણાટસુંદરી મયણલ્લદેવીનું સૌંદર્યનીતરતું સુરેખ અને મોહક ચિત્ર અંકિત થઈ ગયું. આવી રૂપ-ગુણ ભરી રાજકુમારી ગૂર્જરભૂમિની રાજરાણી બને એમાં સૌને શોભા અને ગૌરવ લાગ્યાં. સોના અને હીરાનો સંયોગ કોને ન ગમે ભલા ? આ શુભ કામ જલદી કેવી રીતે પાર પડે એના જ વિચારો સૌના મનમાં રમવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org