________________
૧૨૨ ૨ાગ અને વિરાગ
પણ સહસ્રલિંગ સરોવરની નિષ્ફળતાના વિચારે સમ્રાટને પરવશ બનાવી દીધો હતો. અને આવું અકાર્ય પડતું મૂકવાની મંત્રીઓની પ્રાર્થના પણ કાને ધરવા એ તૈયાર ન હતો. એટલે બલિદાન માટે ચોમેર બત્રીસલક્ષણા માનવીની શોધ થવા લાગી. રાજકર્મચારીઓ એ માટે ધરતી ને આભ એક કરીને પાટણ નગરનો ખૂણેખૂણો શોધવામાં લાગી
ગયા હતા.
એક દિવસ એક નવજુવાન એમની નજરમાં વસી ગયોઃ આ રહ્યો બત્રીસલક્ષણો માનવી !
તરત જ સમ્રાટને અને મહામંત્રીને એની ખબર કરવામાં આવી. જમદૂત જેવા રાજદૂતો રાજઆજ્ઞા લઈને એ યુવાનનું માગું કરવા એના ઘરને ઘેરી વળ્યા !
મોટા માનવીઓની હવેલીઓમાંથી બત્રીસલક્ષણાને બલિદાન આપવા માટે શોધી કે પકડી લાવવાનું બાપડા રાજકર્મચારીઓનું શું ગજું ! એ તો શોધી લાવ્યા હતા નગર બહારના મેતરવાસના એક છોકરાને ! ગરીબનું નસીબ ગરીબ તે આનું નામ !
હાવો મેતર મેતરવાસનો વડો હતો. એના છોકરા માયાને પકડી જવા રાજદૂતો એના ઘેર પહોંચી ગયા અને સહસ્રલિંગ સરોવરમાં ભોગ આપવા માટે માયાને સોંપી દેવાની રાજઆજ્ઞા સંભળાવી રહ્યા !
હાવાને ત્યાં તો લોહીનાં આંધણ મુકાઈ ગયાં; ઘર આખું રો-કકળમાં ભાન-સાન ખોઈ બેઠું. હસતા-ખેલતા માયાને જીવતે જીવ આવું મોતનું તેડું આવ્યું જાણીને એનાં માતા-પિતા, ભાઈ-ભગિની અને સગાંવહાલાંની લાગણીના બંધ છૂટી ગયા. આખા ઘરમાં કોઈ કોઈને છાનું રાખે એવું ન રહ્યું ! સૌને થયું; ભગવાનનો આ તો કેવો કોપ ! આવા મોત માટે સગો દીકરો, સગે હાથે, શેં સોંપી શકાય ભલે ને પછી એને માગનાર રાજા પોતે કેમ ન હોય ? દીકરા સહુને સરખા વહાલા શું અમીરને કે શું ગરીબને !
માયાની માતાની વેદનાનો કોઈ પાર ન હતો. એ તો વારે વારે પેલા સિદ્ધ યોગીને, સમ્રાટ સિદ્ધરાજને અને રાજતોને ગાળો આપતી હતી
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org