________________
૧૦૮ રાગ અને વિરાગ
વિષય હતો તેમ આનંદનો પણ અવસર હતો.
ગૂર્જરભૂમિનો ભાવી રાજવી શક્તિશાળી અને સંસ્કારી બને એ માટે તો ભીમદેવ અને ઉદયમતી એના લગ્નનો લહાવો લેવા માટે ઉતાવળાં થયાં ન હતાં. યૌવનનું ખમીર દેહમાં પચીને જીવનને તેજસ્વી બનાવતું હોય તો લગ્ન ભલે ને થોડાં મોડાં થાય ! છેવટે તો લગ્ન લેવાનાં જ છે ને ! તે પહેલાં જેટલી શક્તિ સંઘરી લીધી તેટલી સારી.
માતા-પિતાની આવી મમતા અને કાળજીભરી માવજતને લીધે કર્ણનો એક સમર્થ તેજસ્વી યુવાનરૂપે વિકાસ થયો. એનું અંગઅંગ યૌવનના વીર્યથી શોભી ઊઠ્યું. એના જીવનમાં સંસ્કારિતાની સૌરભ પ્રસરી રહી.
કાળ આવ્યો અને રાજા ભીમદેવ સ્વર્ગવાસી બન્યા; અને યુવાન યુવરાજ કર્ણને ગૂર્જરપતિનું રાજતિલક કરવામાં આવ્યું. ગુજરાતની ધરતી ઉપર નવા રાજવીની આણ પ્રવર્તી રહી. રાણી ઉદયમતી, શોકના ભારને અંતરમાં સમાવી દઈને, આવી પડેલ કર્તવ્યનો માર્ગ કાપવા તૈયાર થઈ. એને તો અત્યારે બે જ વાતની સતત ચિંતા રહ્યા કરતી : ગૂર્જરરાષ્ટ્રની સત્તા નબળી ન પડે; અને ગૂર્જરભૂમિના નવા રાજવીના માર્ગમાં સંકટો ઊભાં ન થાય કે ભોગ-વિલાસની માયાવી દુનિયામાં સરી પડીને કર્તવ્યવિમુખ ન બને.
આ માટે રાજમાતા ઉદયમતીની ચકોર નજર ફરતી રહેતી. વિ. સં. ૧૧૨૦નું એ વર્ષ.
વસંત આવે અને આંબે મોર પ્રગટે, કોયલના ટહુકાર વનમાં અને નગરમાં રેલાવા લાગે. નવયૌવનની વસંત છૂપી ન રહે. એની સુરખી અંગ અંગ ઉપર વિલસી રહે. યૌવનનું આગમન થતાં રાજા કર્ણની કાયા સોળે કળાએ ખીલી ઊઠી હતી. વાન જુઓ તો સોના જેવો, દેહ જુઓ તો વજ્ર જેવો, એક એક અંગ ઉપર મસ્તીખોર યૌવનની ખુમારી રમતી લાગે. ચાલે તો ધરણી ધ્રૂજે, બોલે તો પર્વત કંપે અને સામો થાય તો સિંહ પણ માર્ગ મૂકી દે એવો પરાક્રમી વીર નર ! સર્વાંગસુંદર, સર્વશક્તિનો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org