________________
પ્રાયશ્ચિત્ત | પ૭
ચૂપચાપ ચાલતા થયા .
યોગરાજ તો ઊંડા વિચારમાં ઊતરીને પૂતળા જેવા સ્થિર થઈ ગયા. એમના હૈયામાં જાણે વેદનાનો હુતાશન પ્રગટ્યો હતો. ન માલૂમ એ હુતાશને કોને ભરખી જશે અને ક્યારે શાંત થશે ?
પિતા પાસેથી વિદાય થયા પછી ક્ષેમરાજે પોતાના બે ભાઈઓને આશ્વાસન આપતાં કહ્યું : “ આમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ તો જરા તાજો ઘા છે, એટલે થોડો વખત તમતમે પણ ખરો. પણ થોડા દિવસ થશે એટલું બધું પોતાની મેળે ઠેકાણે પડી જશે અને ઘીના ઘડામાં ઘી ભરાઈ રહેશે ! “ દુઃખનું ઓસડ દા'ડા ' એમ જે કહેવાય છે એ કંઈ ખોટું થોડું છે ? "
પરિચારકે આવીને યોગરાજજીને વિચારનિદ્રામાંથી જગાડયા ત્યારે એમનાથી એટલું બોલી જવાયું : “ ભાઈ, મારા દીકરા આજે માલ-મિલકત લૂંટી નથી લાવ્યા, પણ મારા માટે મોતને નોતરી લાવ્યા છે ! આવા પુત્રો કરતાં વધારે કપૂત તે વળી કેવા હોય ? હે ભગવાન ! તે શું ધાર્યું છે ? "
પરિચારક બિચારો જાણે ઓશિયાળો બનીને સાંભળી રહ્યો; કંઈ કહેવાને એની જીભ જ ન ઊપડી.
અને યોગરાજજી પાછા મૌન બની ગયા. એમનું મન જાણે ઊંડે ઊંડે આત્મામાં ઊતરી ગયું.
યોગરાજજીના મનમાં હવે જરાય નિરાંત ન હતી. એમને પોતાનું જીવતર એળે ગયું લાગતું હતું. પોતાના ધોળામાં ધૂળ પડી લાગતી હતી અને જીવવું પણ અકારું થઈ ગયું હતું.
દિવસો ઉપર દિવસો વીતતા જાય છે, પણ યોગરાજજી તો ન કોઈની સાથે બોલે છે કે ચાલે છે. જાણે એમના ચિત્તનો બીજા કોઈએ કબજો લઈ લીધો હોય એમ એ હમેશાં જડની જેમ ખૂંગા મૂંગા બેસી રહે છે ! અને ખાવું-પીવું અને ઊંઘ-આરામ પણ એમને હરામ થઈ પડ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org