________________
૭૦] રાગ અને વિરાગ
કોઈને અચલ મૂર્ખ લાગ્યો. કોઈકે એને બહાદુર કહીને બિરદાવ્યો. પણ અચલને એની કશી ખેવના ન હતી. એ તો પોતાના કામમાં પરોવાઈ ગયો.
દિવસો તો પાણીની જેમ વહી જવા લાગ્યા, પણ ચોરનો કોઈ પત્તો ન લાગ્યો !
એક એક દિવસ વીતે છે, અને અચલના પુરુષાર્થમાં ભરતી આવે છે. પણ બધું જ નકામું ! આભ-પાતાળ એક કરીને પણ કામ પૂરું કરવાની એમની ટેવ અને ટેક આજે ફાવતી નથી. બધે નિષ્ફળતાએ પોતાનો પંજો પ્રસારી દીધો છે.
એમ ને એમ બાર દિવસ વીતી ગયા !
હવે તો માત્ર ત્રણ જ દિવસ આવા નકામા વીતે અને આખી જિંદગીનો ખેલ ખલાસ !
અચલ વિમાસણમાં પડી ગયો : હવે શું કરવું ?
એને મોતનો તો ડર ન હતો, સદા ય ખડિયામાં ખાંપણ લઈને ફરનારો એ વીર નર હતો. પણ કામ પાર ન પડે તો પોતાનું શુરાતન લાજતું હતું, એનું એને દુઃખ હતું.
આમાંથી ઊગરવાનો ઇલાજ શો ?– એ વિચારમાં ને વિચારમાં એ છેક મધરાત સુધી ફરતો જ રહ્યો. ફરતાં ફરતાં મસાણમાં જઈ પહોંચ્યો.
જોયું તો એક અઘોરી જેવો વિકરાળ માનવી જલતા મડદાની ચિતા પાસે ધૂણી ધખાવીને બેઠેલો – કોઈ મહાપિશાચ જ જોઈ લ્યો ! એને જોતાં જ માનવી હેબતાઈ મરે કે ફાટી પડે એવો બિહામણો !
પણ અચલને તો ભય સ્પર્શતો જ નહીં .
એના મનમાં જાણે ઊગી આવ્યું : અદ્દભુત ચોરની ભાળ મળે તો આવા કોઈ અદ્ભુત માનવીની સહાયથી જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org