________________
૧૦
સાચો ધર્મ
સરસ્વતીનાં જળ જંપી ગયાં હતાં. રાત્રીનો બીજો પ્રહર પૂરો થવાને હવે થોડીક જ વાર હતી.
અણહિલપુર પાટણના રાજમાર્ગો અને વિથિકાઓ નિર્જન બનીને શાંતિ અને એકલતાનો આનંદ માણી રહ્યાં હતાં.
ક્યાંક ક્યાંક તમરાનો કર્ણમધુર ઝંકાર અને કોક કૂતરાનો કર્ણકઠોર ભસભસાટ હવામાં પડઘા પાડતો હતો; તો વળી કોઈ નિજાનંદમાં મસ્ત માનવીના ભજનનો આત સ્વર અર્ધ જાગ્રત માનવીને આત્મવિચારણામાં નિમજ્જન કરવા પ્રેરતો હતો.
આવા સમયે ગુર્જર ચક્રવર્તી મહારાજ જયસિંહ સિદ્ધરાજ પોતાના રાજપ્રાસાદના ઝરૂખામાં ખડા હતા. એમનાં નેત્રો ઘડીકમાં વિશાળ નભોમંડળમાં ફરી વળતાં તો ઘડીમાં શાંત રીતે વહેતાં સરસ્વતીનાં જળ ઉપર સ્થિર થઈ જતાં.
એમનું મન પણ આજે રાજકારણની અસ્વસ્થતાને પરહરીને સ્વસ્થતાનો આલાદ અનુભવી રહ્યું હતું.
એ આજે રાજકારણના વિચારને વેગળો કરીને ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિચારમાં મગ્ન બન્યા હતા; અનેક મૂંઝવતા પ્રશ્નોની કે યુદ્ધોની વિચારણા કરતી રાજસભાના બદલે કોઈ કોઈ વાર મળતી ધર્મસભાનું દૃશ્ય અત્યારે એમના મનોમંદિરમાં અંકિત થતું હતું.
એ વિચારમાં હતા : કંઈ કેટલા ધર્મતત્ત્વના જાણકારો એ રાજસભામાં પધારતા હતા અને એ બધા ય કેવાં કેવાં ધર્મતત્ત્વોની ચર્ચા-વિચારણા કરતા હતા ! જાણે આખું વાતાવરણ જ ત્યાં ધર્મમય બની જતું.
અને છતાં ય, કોઈ કોઈ વાર એ ધર્મસભામાં ય એવી સાઠમારી ચાલતી કે એ રાજસભાને પણ ઘડીભર પાછી પાડી દેતી ! જાણે યુદ્ધના મોરચા મંડાયા હોય એમ ત્યાં કોઈ વાદીરૂપે અને કોઈ પ્રતિવાદીરૂપે ખડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org