________________
૪૨ | રાગ અને વિરાગ એમાં હાજર થઈ ગઈ. ગજદળ, હયદળ, રથદળ અને પાયદળ એ ચતુરંગી સેના ભારે ભભકભર્યા સાજ સજીને ત્યાં ખડી હતી.
રાજમંત્રીઓ, નગરશ્રેષ્ઠીઓ, રાજરાણીઓ, નગરવધૂઓ અને પ્રજાજનો વૈભવશાળી વેષભૂષા સજીને આવી પહોંચ્યા હતાં – જાણે ધરતીએ સ્વર્ગની શોભા ધારણ કરી હતી !
રાજમાર્ગો અબિલ-ગુલાલ અને પુષ્પોના પુંજોથી મઘમઘી ઊઠ્યા હતા. ગગનમંડળ ધજા-પતાકા અને તોરણોથી દેદીપ્યમાન બની ગયું. હતું. વાજિંત્રોના મધુર નિનાદો ચારે કોર રેલાઈ રહ્યા હતા.
પ્રયાણની ઘડી આવી ચૂકી અને બહુમૂલા અલંકારોથી શોભાયમાન રાજહસ્તી ઉપર આરૂઢ થઈને રાજા દશાર્ણભદ્ર આવી પહોંચ્યા. દેવોને ય દુર્લભ એવું એ દૃશ્ય હતું. જાણે કોઈ ચક્રવર્તી કે દેવરાજ ઇંદ્ર પોતે, પોતાના સર્વ આડંબર સાથે. વનકીડાએ સંચરતા હોય એવું ભવ્ય એ દૃશ્ય હતું !
આનંદની એક કિકિયારી કરીને રાજહસ્તીએ પગ ઉપાડ્યો; અને જાણે આખા સમારંભમાં એક જ આત્મા હોય એમ આખી માનવમેદની તાલબદ્ધ રીતે આગળ વધવા લાગી.
ડગલે ડગલે રાજા દશાર્ણભદ્રના આનંદમાં ભરતી આવવા લાગી. એ મનમાં ઉચ્ચારે છે : “ પ્રભુ, આજ હું કૃતકૃત્ય થયો; ધન્ય થયો !”
અને એ સ્વાગત-મહોત્સવ આગળ ને આગળ વધવા લાગ્યો. મહોત્સવનું આવું વૈભવશાળી અને આવું દેદીપ્યમાન સ્વરૂપ નિહાળીને રાજાનો આનંદ અતિઆનંદમાં પરિણમતો ગયો. આનંદના અતિરેકમાં રાજાને ગર્વ ઊપજ્યો. એ ખુમારીથી વિચારી રહ્યો, “ ભલા, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનું આવું દિવ્ય સ્વાગત કોઈએ કર્યું હશે ખરું ? પ્રભુના ભક્ત તો મોટા મોટા રાજાઓ છે, પણ કોઈએ આવું સ્વાગત કર્યું હોય એ જાણ્યું નથી. ખરેખર, મેં આજ અદ્દભુત કામ કર્યું, અપૂર્વ કામ !'
જાણે કુંદન ઉપર કથીરનો ઢોળ ચડતો હોય એમ રાજાજીની ભક્તિ ઉપર ગર્વનો આછો-પાતળો રંગ ચડવા લાગ્યો. એમને પોતાને જ પોતાની ભક્તિની અપૂર્વતા ભાસવા લાગી ! મનોમન પોતાની જાતને પોતાનાથી જ શાબાશી અપાઈ ગઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org