________________
(૩૦)
૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની સાથે શ્રી દેવકરણજી મુનિ હતા; તેમને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો ઉપકાર સમજાયો ત્યારે, પહેલાં અણસમજમાં તેઓશ્રી પ્રત્યે જે સામાન્ય ભાવ હતો, તેના પશ્ચાત્તાપરૂપ એક પત્ર લખ્યો છે; તેમાંથી આપણે વારંવાર વિચારવા યોગ્ય ભાગ આપને માટે નીચે ઉતારી મોકલું છું; તે વાંચી સવિચારમાં વૃત્તિ વિશેષ રહે તેમ વર્તવા વિનંતી છે. .... વિશેષ ઉદાસી આપે છે તે એ કે આપનો પ્રથમ સમાગમ મુંબઇમાં આ૫ નિવૃત્તિસ્થળ, આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા તે વખતે લલ્લુજી મહારાજ (પ્રભુશ્રીજી) સાથે હતા, તે વખતે આપે મને પૂછયું કે સ્ત્રી દ્રષ્ટિએ પડતાં પરિણામ ચળે છે ? તથા વ્યાખ્યાનમાં અહંભાવ ફરે છે ? તે આપે પૂછવાથી મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા અને તે જ વિચારવાનો આપે પ્રથમ બોધ કર્યો હતો, તે હું અહંકાર વડે - દ્રવ્યત્યાગના અભિમાન વડે - જાણતો ન હતો અને સાધુપણું માની બેઠેલો, તે આપે જાગ્રત કર્યો હતો. હવે બનતો પુરુષાર્થ કરું છું, અને આપની શાંતમૂર્તિ ઉપર દ્રષ્ટિ રાખ્યા કરું છું; અને તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપસ્થિરતાનું માહાસ્ય જાણી શકતો નથી, તે આપની પૂર્ણ કૃપા વડે જણાશે તે આશા રાખું છું. જેમ બાળક માતાપિતા સન્મુખ પોતાનું દુઃખ જણાવે છે, તે જ રીતે હું આપની પાસે દુઃખની વાતો વર્ણવું છું કે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ, રાગ-દ્વેષ રહી જતાં આ દેહ પડી જશે અને તે બીજનાં વૃક્ષો થઈ પડશે અને જન્મમરણ ચાલુ રહેશે; તે ભયભરેલા વિચાર આવતા મનમાં આકુળતા આવી જાય છે અને વળી વિચાર આવે છે કે આવી જોગવાઈ મળી છતાં જીવ ઘણી વાર રઝળ્યો એવું શાસ્ત્રઆધાર વડે જણાય છે અને આપ પ્રત્યક્ષજ્ઞાની પણ કહો છો તો આવી અપૂર્વ જોગવાઇ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય? એવી ચિંતા કોઈ વખત થયા કરે છે અને વળી આપની સન્મુખ વૃત્તિ થતાં હિંમત આવે છે કે અપૂર્વ જોગવાઈ મળી ખાલી નહીં જ જાય; પણ દ્રઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તો હું પરમ સુખી થઈશ અને જીવ્યું સફળ ગણીશ. કોઈ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી ચુકાવી દે છે, પણ થોડા સમયમાં તરત જ પાછી ખેંચાઈ આવે છે અને આપના સન્મુખ થાય છે. મર્યાદ ઓળંગતી નથી. લજા પામી ગુરુ સન્મુખ થઈ જાય છે.” આવો પુરુષાર્થ આપણે કરીને, વૃત્તિને પરમકૃપાળુદેવની મુખમુદ્રા તરફ વાળવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવ સહજાત્મસ્વરૂપ છે, તેમના તરફ વૃત્તિ રાખવાથી આત્મવૃત્તિ થવા સંભવ છેજી. તેમનાં વચનો, તેમની વીતરાગ મુખમુદ્રા વારંવાર લક્ષમાં લેવાથી, આ ત્રિવિધ તાપથી બળતાં સંસારમાં શાંતિ સાંપડે છેજી. એવો ઉપરના પત્રમાં લખ્યા પ્રમાણે, ઘણાં સંતોને સાક્ષાત અનુભવ થયો છે. (બો-૩, પૃ.૪૦પ, આંક ૪૧૩) સપુરુષ સમાન કોઈ આપણા ઉપર પરમ ઉપકાર કરનાર નથી. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ નરોડા પધારી તે તીર્થક્ષેત્ર બનાવ્યું છે. તેના ઉપકારનો કોઈ રીતે બદલો વળે તેમ નથી. તેથી માત્ર મન-વચન-કાયાની એકાગ્રતાથી તેના ચરણનું શરણ ગ્રહી તેમની અલૌકિક આત્મદશા, વીતરાગદશાનું વારંવાર સ્મરણ કરી તેમના ઉત્તમ ગુણો આપણને સાંભળવા મળ્યા, તે પણ આપણું મહાભાગ્ય ગણવા યોગ્ય છે. (બી-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫). પરમપુરુષના ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. આવા કળિકાળમાં મુમુક્ષુ જીવને વિશ્રામ અને આનંદનું કારણ બને, તેવા પત્રાદિ લેખો લખી આપણને આધારરૂપ બન્યા છે. ઘણા કાળ સુધી,