________________
૪૦૦ -વચનગુપ્તિ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચરણશુદ્ધિ દ્વાર
પછી ચોરોએ સાધુને જોયા. અને કહ્યું કે–તે આ સાધુ છે, કે જેને પકડીને આપણે છોડી દીધા હતા. આપણે નિષેધ કર્યો એથી ભય પામેલા આ બિચારા સાધુએ આમને (માર્ગમાં ચોરો છે એમ) ન કહ્યું. ચોરોનું આ વચન સાધુની માતાએ કોઇ પણ રીતે સાંભળ્યું. ગુસ્સે થયેલી તેણે ચોરોના આગેવાનની પાસે છૂરી માગી. આગેવાને તેને પૂછ્યું: છૂરીનું શું કામ છે? તેથી માતાએ કહ્યું: તેનાથી હું મારા સ્તનોને છેદીશ. તેમણે પૂછ્યું: શા માટે? માતાએ કહ્યું: મારા આ સ્તનોથી દુર્બુદ્ધિ એવા આને મેં દૂધ પીવડાવ્યું છે. તેમણે તમને જોયા હતા છતાં અમને માર્ગમાં ચોર છે એમ ન કહ્યું. આગેવાને સાધુને પૂછ્યું: જો આ તમારી માતા છે તો તેને તમે આ કેમ ન કહ્યું? શું અમારા ભયથી ન કહ્યું? તેથી સાધુએ કહ્યુંઃ સર્વજ્ઞના વચનને ખંડિત કરવા સિવાયનો મને વિશ્વમાં પણ ભય નથી. સર્વજ્ઞના વચનમાં આનો નિષેધ છે કે, જે સાંભળેલું અને પ્રત્યક્ષ જોયેલું સાવદ્ય હોય તે પ્રાણ જાય તો પણ સાધુઓએ ન કહેવું. વળી આ મારી માતા છે એ પણ અહીં (=રસ્તામાં ચોરો છે એમ કહેવામાં) કારણ નથી. કારણ કે શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળાઓને કોણ પરજન કે કોણ સ્વજન? વળી બીજું– અનાદિ ભવસાગરમાં ભમતા જીવોને બધાય જીવો માતા-પુત્ર-પિતા આદિ સંબંધવાળા થઇ ગયા છે. તેથી અનંતભવચક્રમાં ભમનારા જીવોમાં પરસ્પર કયા જીવોને કોણ અનંતવાર માતા નથી થઇ? અથવા અનંતવાર વૈરિણી નથી થઇ? સર્વજ્ઞને છોડીને માતા ઉપર બહુમાન યોગ્ય નથી. કારણ કે માતા સંસારનું દુઃખ કરનારી છે. સર્વજ્ઞ મોક્ષનું સુખ કરનારા છે.
ઇત્યાદિ વિસ્મયકારી દેશનાથી અને નિઃસ્પૃહતાથી ખુશ થયેલા આગેવાને સાધુને નમીને આ પ્રમાણે કહ્યું: હે મુનિસિંહ! જેમનો વાણી ઉપર આવો સંયમ છે તે તમારી અમે શું પ્રશંસા કરીએ? ગંગાનદીની જેમ વહેતી આવી વાણીને કોણ રોકે? અહીં મુખરૂપ આકાશમાંથી નીકળતા વચનરૂપ પવનને નિપુણ પણ કોઇ શું રોકે? ધાતુને ગાળવા પાત્રમાંથી નીકળતા અગ્નિથી તપાવેલા પારાને કોણ ધારણ કરે? તેથી હે મુનીંદ્ર! વિશ્વમાં પણ તમે જ પ્રશંસનીય છો કે આ પ્રમાણે વાણી જેના વશમાં છે અને જેની દૃઢસ્નેહરૂપ બેડીઓ તૂટી ગઇ છે. (રપ) ધર્મ પણ આ જ છે કે જ્યાં આવી વચનનિપુણતા જોવામાં આવી છે. આ પ્રમાણે સાધુના ગુણથી આકર્ષાયેલ ચોરોનો આગેવાન ભદ્રક થયો. મુનિની માતાને પોતાની માતા તરીકે સ્વીકારી. તથા લુંટેલું બધુંય પાછું આપી દીધું. પછી ખમાવીને અને નમીને તે ગયો. સ્વજનો ખુશ થયા. પછી મુનિએ સ્વજનોને શ્રેષ્ઠધર્મ કહીને પ્રતિબોધ પમાડ્યો. પછી તે મહાત્મા પૃથ્વી ઉપર વિચરે છે. આ પ્રમાણે બીજાએ પણ વચનગુપ્તિ કરવી જોઇએ. [૧૯૭]
આ પ્રમાણે ગુણદત્તસાધુનું કથાનક પૂર્ણ થયું.