Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ તેરમી
|| દોહા ||
પડી અવસ્થા પેખીને, રાણીને રાજાન; વચન કહેતાં લોચા વળે, જિહ્વા કરે યતન્ન. ૧ દુઃખભર હૈયું ડસડસે, નયણે નીર ન માય; મનને માયા રોકી રહી, બોલ ન બોલ્યો જાય. ૨ મદનાવલીએ મનતણી, જાણી સર્વ જુગત; વળતું કહે વાલિમ પ્રતિ, સ્વામી સુણો એક વાત. ૩ લિખ્યો લેખ તે નવિ મીટે, દિલમાં ન ધરો દુઃખ; મુજને વનમાં વાસતાં, થાશે સહુને સુખ. ૪ મુજને મહેલમાં રાખતાં, પ્રજા જશે પરદેશ; લાભ નથી એ વાતમાં, ઉજ્જડ થાશે દેશ. ૫ તે માટે મુજને તજો, પરજા પાળો ભૂપ; વનમાંહિ તેણે વેગશું, આવાસ કરાવો અનૂપ. ૬ વયણ સુણી વનિતા તણાં, રાય થયો રળિયાત; ધન ધન એહની ચાતુરી, જાણી મનની વાત. ૭
ભાવાર્થ : સિંહધ્વજરાજા મદનાવલી પાસે આવ્યો છે. કર્મે જે ઉપદ્રવ આવ્યો છે. તેની માહિતી આપવા માટે પણ રાજા બોલી શકતા નથી. વચન ઉચ્ચારતા જીભે લોચા વળે છે. (૧)
દુઃખભર હૈયું ડસકા લઈ રહ્યું છે. નયણે નીર માતું નથી. યાને આંસુની ધાર બંધ થતી નથી. મનને પટ્ટરાણીની માયા રોકી રહી છે. એક પણ બોલ બોલી શકાતો નથી. (૨)
એવે સમયે મદનાવલી પોતાના સ્વામીના મનની વાત જાણી લે છે અને વળતું કહે છે કે હે સ્વામિન્ ! લલાટે લખાયેલ લેખ મિટાડ્યા મટતા નથી. ભાગ્યમાં જે થવાનું સર્જાયું હોય તે થઈને રહે છે. તેને કોઈ મિથ્યા કરી શકતું નથી. માટે હે રાજન્ ! આપ દિલમાં દુઃખ ધરશો નહિ અને મને વનમાં વસવાની અનુજ્ઞા આપો. જેથી સહુને સુખ થાય. (૩, ૪)
વળી જો મને આપ મહેલમાં રાખશો તો પ્રજા પરદેશમાં ચાલી જશે. તે વાતમાં કંઈ જ લાભ નથી. આપણો દેશ ઉજ્જડ થઈ જશે. તે માટે (૫)
૭૨