Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આજકાલના સમયની વાત છે. એક બેનને કેન્સરનો રોગ થયો. ડૉ. પાસે બતાવવા ગયા. ડૉક્ટરે ઓપરેશન માટે તારીખ આપી. હજુ ઓપરેશનને વાર હતી. તે બેનને થયું આમેય કેન્સર જેવો મહારોગ આવ્યો છે. ઓપરેશન પણ નિશ્ચિત છે. ભલે પ્રભુની મહે૨થી ઓપરેશન સફળ થાય પણ કેન્સર એટલે દુનિયામાંથી એકવાર તો કેન્સલ થવાનું જ ? લાવ જેટલું આયુષ્ય બચ્યું તેટલામાં પરમાત્માની ભક્તિ કરી લેવા દે. એમ વિચારી પરમાત્માની ભક્તિ માટે પૂજાના વસ્ત્રો પહેરી પૂજા કરવા ગયા. રોજ એક કલાકની પૂજા ભક્તિ કરે. એક દિવસ ભક્તિભાવ ઉભરાયો. એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક બેન ઘરે પાછા આવ્યા નહિ. ઘરે બધાને ચિંતા થઈ, હજુ સુધી પૂજા કરવા ગયેલા છે. ઘરે પાછા કેમ નથી આવ્યા. તેમના સ્વામીનાથ દહેરાસર તપાસ કરવા ગયા. બહારથી જ નજર કરતાં ખબર પડી કે પોતાના પત્નિ ચામર નૃત્યમાં લીન બનેલાં છે. તેમની ભક્તિ ખંડિત ન થાય, તેમને અંતરાય ન પડે માટે પૂજા કરીને બહાર આવે ત્યાં સુધી તેમના પતિ બહાર એકબાજુ બેસી ગયા. પરમાત્માની ભક્તિ કરી બેન બહાર આવે છે, તો બંનેની દૃષ્ટિ એકબીજાને મલી. બેનનાં પતિ બરાબર જોઈ રહ્યાં છે. કેન્સરની ગાંઠ જેમ હતી તેમને તેમ છે. પૂજા કરીને આવેલા બેનને યાદ આવ્યું મેં આજે પરમાત્માનું ‘નમનજળ’ લગાડ્યું નથી. તેથી પોતાના સ્વામિનાથને કહે છે. આટલીવાર મારી માટે રાહ જોઈને તમે ક્યારના બેઠાં લાગો છો, તો બે મિનિટ વધુ પ્રતીક્ષા કરો. હું નમનજળ લઈને આવું છું. બેન દહેરાસરમાં ગયા જ્યાં જિનેશ્વરદેવના પક્ષાલનું જલ રહેલું હતું તે લીધું અને જ્યાં પોતાને દર્દ થતું હતું ત્યાં લગાડ્યું. લગાડીને જિનાલયથી બહાર નીકળ્યા તે વખતે તેમનાં પતિદેવે બરાબર નજર કરી તો કેન્સરની જે ગાંઠ હતી તે લગભગ ઓગળી ગયેલી અને પંદર દિવસ બાદ જ્યાં ડૉક્ટર પાસે ગયાં તો ડૉક્ટર રોગ જ મૂળમાંથી નીકળી ગયો છે તો ઓપરેશન શેનું કરું ? કેવી રીતે રોગ નાબૂદ થયો ? પેલાં બેન કહે, આ તો પરમાત્માની કરેલી ભક્તિનો પ્રભાવ છે. વાચકો ધ્યાન રાખો કે, જિનભક્તિનો કેવો મહાપ્રભાવ છે. ગઈકાલનો રોડપતિ આવતીકાલે કરોડપતિ બને છે. ગઈકાલનો ગરીબ, આવતીકાલનો રાજા બની શકે છે. ગઈકાલનો સંસારી આવતીકાલે સંયમી બની શકે છે. ગઈકાલનો રાગી આવતીકાલે ત્યાગી બને છે. ગઈકાલનો રોગી આવતીકાલે નિરોગી બને છે. આ છે પરમાત્માભક્તિનો પ્રભાવ. હે શ્રોતાજનો ! ૫રમાત્માની ભક્તિનો પ્રભાવ જાણ્યા પછી પરમાત્મા ભક્તિમાં જરા પણ આળસ - પ્રમાદ કરશો નહિ.
ઈતિ ૬૧મી ઢાળ સંપૂર્ણ
૩૩૫