Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ખરેખર પાપાત્મા પોતાનાં પાપ પ્રમાણે પાપનું ફલ તત્કાલ પામે છે. ઉગ્રપાપનું ફલ અને ઉગ્રપુણ્યનું ફલ તત્કાલ તેનું ફલ બતાવે છે. જેમ હાથીને મારનાર સિંહ હાથીને મારવાનું ફલ પોતે પામ્યો કે અષ્ટાપદે તેને માર્યો. (૯)
અને તે વખતે સિંહને કૃષ્ણલેશ્યા થવાથી રૌદ્રધ્યાન ધરતો ત્યાંથી મરીને પોતાના પાપના બળે પહેલી નરકે ગયો. (૧૦)
અને તે ના૨કીમાં નારકપણે છેદાવાના, ભેદાવાના, દંડ, તલવાર, ભાલાના મારના મહાદુ:ખને અને અનેક પ્રકારની વેદનાને ભોગવવા લાગ્યો. (૧૧)
જ્યાં એક પલ માત્ર પણ તલ કે ઘાસના તણખલાં જેટલું પણ સુખ જીવો પામી શકતા નથી. એવી ક્ષેત્રસંબંધી પીડાનું દુઃખ તો હોય છે જ અને તેમાં ૫૨માધામી દેવો હંમેશા પોતાનાં પાપ પ્રમાણે નવું દુઃખ ઉપજાવે છે. (૧૨)
આમ નારકીના જીવો દુઃખીયા અને દીન (ગરીબ) જેવા એક ક્ષણ પણ સાતાવેદનીય એટલે કે સુખ પામી શકતા નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૧૩)
વિવેચન : ખરેખર નારકીનું દુઃખ એટલું ભયંકર હોય છે કે જેનું વર્ણન કરતાં, સાંભળતાં પણ આપણા હાજા ગગડી જાય છે. નરક શબ્દથી માનવ માત્ર ગભરાય છે. એવું તે શું છે ત્યાં ? જન્મતાં જ કપાવાનું, કુંભીમાં ઉત્પન્ન થવાનું, સાણસા, ચીપીયા, ચપ્પુથી કપાવાનું, પાછું થર્મોમીટરના પારાની જેમ ભેગું થવાનું, છાયાની શોધ કરતાં દોડો ત્યાં ભાલા જેવાં પત્થરોના ‘ઘા’ પગમાં વાગે અને લોહીની ધારા છૂટે. ઝાડ જેવું દેખાય ત્યાં બેસવા જતાં તલવાર જેવાં પાંદડા મસ્તક ૫૨ ભોંકાય છે અને લોહીની ધારા નીકળે છે. ભૂખ લાગી શબ્દ બોલતાં જ પૂર્વે સેવેલા અભક્ષો અનંતકાયોના પાપને યાદ કરાવી પોતાનાં જ સાથળને કાપી તાતા તેલમાં પૂરીની જેમ તળી તેનો આહાર કરાવે છે. ઠંડાપીણા બહુ ગમે. તરસ લાગી બોલતાં જ ધગધગતુ શીશું તમારા મોંઢામાં નાંખે. પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જેવા દુરાચારોને યાદ કરાવી ધગધગતી લોઢાની પૂતળીને ભેટાવે છે. પાંચસો જોજન ઉંચે ઉછાળી પાછા ભોંય પટકે છે. આવી આવી અત્યંત વેદનાઓ ત્યાં ભોગવવી પડે છે. જ્યાં અંધકાર એવો છે એકબીજાના હાથથી હાથ પણ મીલાવી શકાય નહિ. ઠંડી એવી છે કે ત્યાં નારકીના જીવોને અહિં કંદોઈના ભઠ્ઠા ૫૨ સુવાડો તો છ મહિના સુધી શાંતિથી સૂઈ ૨હે. ગ૨મી એવી છે કે ત્યાંના જીવને આઈસ ઠંડી બરફની પાટો પર સુવાડો તોય તેને ઠંડી લાગે નહિ. જ્યાં હાડકાં, માંસ, ચરબી અને લોહીની નદીઓ વહે છે એવી વૈતરણી આદિ નદીમાં ડૂબાડે છે. વધુ તો નરકનું શું વર્ણન કરું ? શાસ્ત્રોમાં આનાથી કંઈ ગણી યાતનાઓ નરકની જણાવી છે. આવા નારકીના દુઃખો પેલો સિંહ ભોગવી રહ્યો છે.
૩૯૬