Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સોમા શાંત થઈ સુવિશેષી, પશ્ચાત્તાપ કરે ઘટ પેખી; પશ્ચાત્તાપ કરે જે જાણી, કર્મ શિથિલ કરે તે પ્રાણી. ૧૫ ત્રેસઠમી ઢાળ મેં બોલી, કેદારે કહેજો મન ખોલી; ઉદયરતન કહે ઉલટ આણી, જિનપૂજા આપે શિવરાણી. ૧૬
ભાવાર્થ : એ પ્રમાણેની સાસુની વાત સાંભળીને સોમશ્રી ખૂબજ વિલખી પડી અને નિરાશ થઈ મનમાં વિચારવા લાગી કે, આ ઘરવાસને ધિક્કાર પડો ! કે જેના કારણે આવું સાંભળવું પડે છે. (૧)
એક પાણીના ઘડા માટે મારી સાસુ મને આંખે આંસુ પડાવે છે. મને રડાવે છે. આ ઘરમાં આજ તો તેનું જોર ચાલે છે. વળી ક્યારેક મારો પણ વારો આવશે. (૨)
એ પ્રમાણે વિચાર કરતી તે અબળા સોમશ્રી રડવા લાગી. હૃદયમાં તો દુઃખની જ્વાલાઓ ઉભરાય છે. આંખે આંસુની ધારા વહી રહી છે જાણે કે મોતીનો હાર તૂટ્યો ! જેમ મોતીની માળા તૂટે ને એક પછી એક મોતી વિખરાવા માંડે તેમ સોમશ્રીની આંખે એક પછી એક એમ આંસુ રૂપી મોતીની હારમાળા ચાલી રહી છે. (૩)
‘‘સોમા ઘરની બહાર દ્વાર પર જ હૃદયને કઠણ કરી, નિર્દય બનાવી હાથમાં લાકડી લઈ ક્રોધાતુર થઈને બેઠી છે. વિફરેલી વાઘણ જોઈ લો ! જેમ હળાહળ ઝેર મારનાર બને તેમ તે હૃદયથી ઝેરીલી થઈને બેઠી છે. (૪)
હવે બુદ્ધિનિધાન ચતુર એવી સોમશ્રી હ્રદયથી વિચારે છે કે આ વાઘણ જેવી મારી સાસુ મને પાણીના ઘડા વિના ઘરમાં પેસવા દેશે નહિ ! તો હવે એમ કરૂં કે કુંભારને ત્યાં જાઉં અને ઘડો લઈને આવું. એમ વસ્ત્ર વડે આંસુ લુછતી તે સોમશ્રી કુંભારને ઘરે પહોંચી ! (૫)
આંખે અશ્રુધારા વહી રહી છે એવી સોમશ્રી ગદ્ગદ્ સ્વરે રોતી તે સોમશ્રી કુંભારને ઘે૨ જાય છે અને રડતી રડતી કુંભારને કહે છે, હે ભાઈ ! આ મારા હાથનું કંગન તું રાખ, (૬)
અને તમને મસ્તક વડે નમસ્કાર કરીને કહું છું કે, મને એક શ્રેષ્ઠ ઘડો આપો. મારે અત્યારે ગરજ છે, તો આ ગરજને તમે સારો. હું ઉપકાર માનીશ ! (૭)
તે વખતે ‘સોમશ્રી’ને રડતી જોઈને કુંભાર કહેવા લાગ્યો કે, હે બહેન ! તું રડીને ઘડો શા માટે માંગે છે ? તને એવું તે શું દુ:ખ છે ? તે તું કહેવા જેવું હોય તો મારી આગળ કહે.
એ પ્રમાણેની કુંભારની વાત સાંભળીને સોમશ્રીએ પહેલેથી માંડીને સઘળી હકિકત કુંભારને જણાવી. તે સાંભળીને કુંભકાર કહેવા લાગ્યો કે, હે બહેન ! તારા આ જન્મને ધન્યવાદ છે કે તારે સાસુના આ વચનો પ્રભુભક્તિ કરી તેથી સાંભળવા પડ્યાં. (૯)