Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અને જોતાં જોતાં તે વનખંડ ઉદ્યાનમાં તેણે કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન થઈને પૃથ્વીતલ પર ઉભેલા એક શાસનના શણગાર એવા અણગાર (મુનિવર)ને જોયા. (૧૯)
અને મનથી ચિંતવવા લાગ્યો કે આજે આ મુનિવરે મને જોયો છે અને રત્નમાલા લેતા એવા મને જોઈને તે મુનિ જાણી જોઈને મૌન લઈને ઉભા છે. (૨૦)
ખરેખર આ મુનિ માયાવીનું ઘર લાગે છે. મારું આ ખરાબ ચરિત્ર જોઈને ક્યાંક રાજા પાસે જઈને કહી દેશે તો ? (૨૧)
એના કરતા વ્યાધિ સમાન આવા વૈરીનો જલ્દીથી નાશ કરવો જોઈએ. એમ વિચારી ચિંતવવા લાગ્યો હવે આને જમરાજના ઘરે પહોંચાડી દઉં. (૨૨)
એમ ક્રોધાતુર થયેલ પાપીષ્ટ એવા તે સુરપ્રિયે હાથમાં દંડ ઉપાડ્યો અને સાધુ સામે મારવા દોડ્યો. (૨૩)
અને તુંકારો દઈ જેમતેમ કહેવા લાગ્યો કે, હે મુંડ ! તું ચારિત્રનો ઢોંગ કરે છે અને અહિં છાનોમાનો છુપાઈને મને શું જોયા કરે છે ? (૨૪)
જો તું મને જોયા કરે છે તો હવે મારી દૃષ્ટિમાં તું આવ્યો છે, તો હવે તું જીવતો કેવી રીતે રહીશ ? આમ સુરપ્રિય પોતાના અવગુણને (પાપને) છુપાવવા મુનિવરને એ પ્રમાણે કહે છે અને ગુસ્સો કરે છે. (૨૫)
રોષાતુર થયેલા સુરપ્રિયને જોઈને મુનિવર જરા પણ ધ્યાનથી ચલિત થયા નહિ અને મનને ચલાયમાન કર્યા વગર જ, ધ્યાનથી ચૂક્યા વગર ધર્મને વિષે સ્થિર મન કરીને પોતાના કર્મને તોડવા લાગ્યા. કર્મને બાળવા લાગ્યા. (૨૬)
એ પ્રમાણેની સીતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે કે હે ભવ્યજનો ! લોભથી મોટા મોટા અનર્થો ઉત્પન્ન થાય છે એમ સમજી લોભથી દૂર રહો અને નિર્લોભી, સંતોષી, નિષ્પરિગ્રહી બની ધર્મના માધ્યમથી જય વિજયને પામો. (૨૭)
ઈતિ ૭૦મી ઢાળ સમાપ્ત
૩૯૧