Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
7 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
આરાધનાદિમાં અંતરાયભૂત થાય છે. કાંતો ઉંઘ આવે, કાંતો આળસ આવે, કાંતો બીજાની નિંદા કરવા બેસી જાય. કાંતો ઘરની આળ-પંપાળમાં જ સમય બગાડે. આમ પાંચ વિષયસુખો, આઠ મદ, આઠ કર્મ અને પાંચ પ્રકારના પ્રમાદ ધર્મથી વિમુખ બનાવી અધોગતિ તરફ લઈ જનારા બને છે. તેથી હે ભવ્યજીવો ! ભવભ્રમણ વધારનારા તેનાથી, તેમજ રાગાદિ ચોરો આત્મગુણોને લૂંટે છે તેનાથી તો સાવધાન બની જિનકથિત ધર્મપંથે આગેકૂચ કરો.
વળી મોહને વશ થયેલો જીવ ખરાબગતિ તરફ જાય છે અને તેનાથી સંકટોને વેઠતો આત્મા મોહરૂપી મદિરાથી ઉન્મત્ત બને છે અને વારંવાર ભવસમુદ્રમાં ઘુમણી (ગોળ ગોળ) ખાધા કરે છે. (૫)
વળી જે જીવ મોહરાજાને વશ થાય છે તે કુટુંબ માટે થઈને ઘણા કર્મો બાંધે છે અને આ ભવથી બીજા ભવમાં જતાં દુઃખને આપનારા કટુ ફળને પામશે. (૬)
હે ભવ્યજીવો ! જે કુટુંબ કાજે તમે કર્મબંધ કરો છો, તે તમારા સ્નેહીઓ, તમારી સાથે જ્યાં સુધી સ્વારથ છે ત્યાં સુધી જ પ્રીતિ રાખે છે. તમારી પાસેથી તેમનું કંઈ કાર્ય થતું હોય ત્યાં સુધી તમારી પાસે આવે છે અને જ્યારે તમારા પર કંઈ દુઃખ આવે તો તે સ્વજન તમારાથી દૂર ભાગે છે આ સંસારની રીત છે. (૭)
વિવેચન : સમગ્ર સંસાર સ્વાર્થમય છે. પોતાને કામ હોય તો તમારી પાસે દોડ્યા આવે છે અને જો તમારી પાસેથી કંઈ કાર્ય તેમનું પતતું નથી તો તમારાથી દૂર ભાગે છે. સગો દીકરો પણ તેને ખબર હોય કે મા-બાપ પાસે ધનનો દલ્લો છે. હું સેવા કરીશ તો મને મળશે. માટે તે દીકરો મા-બાપની સેવા કરે ! પણ ખબર પડે મા-બાપ પાસે કંઈ જ નથી. તો તે જ મા-બાપ તેને ભારરૂપ લાગે છે. એજ રીતે મા-બાપ પણ કમાઉ દીકરો હોય, કમાણી કરીને લાવતો હોય તો તેની સાથે સારો વ્યવહાર રાખે પણ જો આળસુ યા નબળો દીકરો હોય તો તેની સામે પણ જોવે નહિ. આ રીતે સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દીય૨-જેઠ, દેરાણી-જેઠાણી, માતા-દીકરી, ભાઈ-બહેન બધા જ સ્વાર્થના સગા છે. કહેવાય છે ગરજે ગધેડાને બાપ કહે. કોઈ કોઈનું સગુ થતું નથી. પુત્ર પરિવાર પત્નિ પૈસો પેઢી બધું જ અહિં રહેવાનું છે. સાથે કશું જ આવશે નહિ માટે જ કહ્યું છે -
“સ્વાર્થના છે. સહુ સંગાથી, પૈસાના પૂજારી
પોતાના ક્યારે દુશ્મન બનશે, કોઈ શક્યું ના જાણી.’
સ્વાર્થ હોય ત્યાં સુધી પત્નિ-પતિ પ્રત્યે અને પતિ-પત્નિ પ્રત્યે સ્નેહભાવ રાખે છે. નહિ તો એકબીજાને જીવન કેમ પૂર્ણ કરવું તે પણ પ્રશ્ન થઈ જાય છે ! આ સંસારની રીત છે. સર્વે સ્વજન વર્ગ સુખની વેળાએ આવી મળે છે અને દુઃખની વેળાએ દૂર ભાગી જાય છે.
૩૫૮૦