________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તે સ્થવિર મુનિને પણ હળી પ્રેમપૂર્વક ઐષણિક આહાર વ્હોરાવે છે અને વ્હોરાવીને અનુમોદના કરે છે અને પોતાના જન્મને સફળ કરે છે અને મનથી પોતાના અવતારને સફળ કરતો અને સફલ ગણતો જેટલામાં ફરી હળી જમવા બેસે છે, તેટલામાં ત્રીજી વખત તે દેવ દૈવીશક્તિથી સુંદર સુકુમાલ એવા બાલમુનિનું રૂપ ધારણ કરી ગૌચરી વ્હોરવા આવ્યો તે બાળમુનિને પણ હળી પ્રેમપૂર્વક આહાર આપવા ઉભો થયો. (૧૧)
એ પ્રમાણે પરીક્ષા કરતા દેવે હળીની અતૂટ ભક્તિ જોઈ, તેથી તેના પર તુષ્ટમાન થયો થકો તે દેવ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો કે, હે હાલિક ! હું તારા પર તુષ્ટમાન થયો છું, તેથી હેતપૂર્વક જે કામ હોય તે કહે, તે તારું કામ હું કરી આપું. હું તારા સત્ત્વથી પ્રસન્ન થયો છું. તુષ્ટમાન થયો છું તે પ્રમાણે દેવની વાણી સાંભળી હળી કહેવા લાગ્યો કે, હે દેવ ! જો તમે પ્રસન્ન થયા છો, તો મારું દારિદ્ર દૂર કરો અને મને અર્થ (ધન) આપો ! તે સાંભળી દેવે કહ્યું કે, હે હળી ! તે તારી ઈચ્છા સફળ થશે. તું સુખ, ધનની સંપદા પ્રાપ્ત કરીશ એ પ્રમાણે તે હળીની ભક્તિથી તુષ્ટમાન થયેલ દેવ આટલું કહીને અદૃશ્ય થયો. (૧૨)
ત્યારબાદ હળી પણ દેવે કરેલ સંકેત પ્રમાણે બધી વાતો હેતપૂર્વક વિસ્તારથી પોતાની પત્નિને કહે છે અને તે સંબંધ સાંભળીને હળીની પત્નિ પણ આનંદ પામી થકી કહેવા લાગી કે, હે સ્વામી ! હવે આપણું દુઃખ નાઠું. દેવ તુષ્ટમાન થયો તે તમારા સત્ત્વનો પ્રભાવ છે. એમ હર્ષપૂર્વક એકાવનમી ઢાળ ઉદયરત્નજી મહારાજે કહી અને કહે છે હે ભવ્યજનો ! રાગપૂર્વક, મનમાં ઉલ્લાસ આણી હવે આગળ રસમય વાત સાંભળો - (૧૩)
૨૭૫