________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એ પ્રમાણે વિચાર કરતી પોતાના આત્માને નિંદે છે. પોતે કરેલા દુર્ગંધ દોષની પણ નિંદા કરે છે. વળી પૂર્વકૃત પાપની અત્યંત નિંદા કરતી મનમાં અફસોસ કરે છે. (૧૩)
ત્યાર પછી મદનાવલી ઉપકારી તે પોપટને જોવા માટે બહાર આવે છે અને ગોખમાં નજર કરે છે. તો પંખી ત્યાં દેખાતાં નથી. તે શુકયુગલ તો આટલી વાત કરી તરત જ ત્યાંથી અલોપ થઈ ગયું હતું. (૧૪)
મદનાવલી વિચારે છે ! વિસ્મય પામે છે ! કે આ પોપટ આદિથી અંત સુધીનું મારું ચરિત્ર કેવી રીતે જાણે છે ? કંઈ સમજાતું નથી. ખેર એ વૃત્તાંત હું કેવલી ભગવંતને પૂછીશ. પરંતુ તે શુક-યુગલે મારા પર મોટો ઉપકાર કર્યો છે કે જે દ્વારા મારા શરીરનો રોગ દૂર થાય અને ફરી શરીર સુંદર થાય. (૧૫, ૧૬)
ત્યાર પછી મદનાવલીએ પ્રતિહારી પાસે પૂજાની સામગ્રી મંગાવી અને મનના આનંદ સાથે જિનેશ્વરની ત્રણવાર પૂજા કરવા લાગી. (૧૭)
શુભ ગંધની સામગ્રી અને જિનનો યોગ પામી પ્રેમથી પ્રભુને પૂજતાં તેનાં શરીરથી રોગ નાસી ગયો. જિનેશ્વરની પૂજાથી તેને સુખનો સાજ મલ્યો. (૧૮)
જેમ અત્યંત વીર્ય સહિત મંત્રજાપના યોગથી ભૂતાદિકનો નાશ થાય તેમ તેના તન થકી દૂર્વાસ દૂર ભાગી ગઈ. (૧૯)
સારા યશ સહિત શુભ સુવાસ ચારે દિશામાં ફેલાવા લાગી. જાણે મલયાચલના વનમાં શ્રીખંડનો છોડ પ્રગટ થયો. (૨૦)
ચોકીદાર પણ ત્યારે ચિત્તમાં ઉલ્લાસ પામ્યાં અને વિસ્મય પામ્યા થકા. સુવાસના સંયોગથી રાણીની પાસે આવ્યાં. (૨૧)
રૂપ, રંગ, સુવાસ અને સુવર્ણમય રાણીનો વાન દેખી હર્ષિત થયાં અને રાજા સિંહધ્વજ જ્યાં બેઠેલાં છે, ત્યાં વધામણી આપી કે રાણીનો રોગ જિનેશ્વરની ત્રિકાલ પૂજા કરવાથી દૂર થયો છે. (૨૨)
આ પ્રમાણે વધામણી સાંભળી રાજા ખૂબ હર્ષ પામ્યો. હૈયે હર્ષ માતો નથી અને લોચન દ્વારા હર્ષના આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. (૨૩)
વધામણી લાવનારના વચન સાંભળી રાજાએ ભાવપૂર્વક તેને વધામણીમાં અનંતી આથ અનંતુ ધન આપ્યું અને તેનું દુઃખ દૂર કર્યું. (૨૪)
ત્યારબાદ સેનાને સાથે લઈ માંગલિક વાજીંત્રો વગડાવતો રાજા ઉલ્લટ આણી મદનાવલીને તેડવા માટે ચાલ્યો. (૨૫)
૮૨