Book Title: Angabahya Agam Jain History Series 2
Author(s): Jagdishchandra Jain, Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૧૦
અંગબાહ્ય આગમો કાળાંતરે સોમિલના વિચારોમાં પરિવર્તન થયું અને તે મિથ્યાત્વી બની ગયો. તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે હું ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયો છું, મેં વ્રતોનું પાલન કર્યું છે, વેદોનું અધ્યયન કર્યું છે, પત્ની ગ્રહણ કરી છે, પુત્રોત્પત્તિ કરી છે, ઋદ્ધિઓનું સન્માન કર્યું છે, પશુઓનો વધ કર્યો છે, યજ્ઞ કર્યો છે, દક્ષિણા આપી છે, અતિથિઓની પૂજા કરી છે, અગ્નિહોમ કર્યો છે, ઉપવાસ કર્યા છે. આવી હાલતમાં મારે આંબા, માતુલિંગ (બિજોરા), બિલા, કપિત્થ (કોઠ), ચિંચા (આંબલી) વગેરેના બાગ ઉછેરવા જોઈએ. વૃક્ષો રોપ્યા પછી તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો – કેમ ન હું પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી તથા પોતાના મિત્રો અને બંધુજનોની અનુમતિ પ્રાપ્ત કરીને, તાપસોને માટે યોગ્ય એવી લોઢાની કઢાઈ અને કડછી તથા તાંબાનાં પાત્રો લઈ ગંગાતટવાસી વાનપ્રસ્થ તપસ્વીઓની માફક વિહાર કરું? ત્યારપછી તે દિશામોક્ષિત તાપસોમાં દીક્ષા લઈને છમછઠ્ઠ તપ કરતો કરતો, બંને હાથ ઊંચા કરી સૂર્યાભિમુખ રહી આતાપનાભૂમિમાં તપશ્ચર્યા કરવા લાગ્યો. પહેલા છઠ્ઠમતપના પારણાના દિવસે તે આતાપનાભૂમિથી ચાલી વલ્કલના વસ્ત્રો ધારણ કરી પોતાની કુટિરમાં આવ્યો અને પોતાનો કરંડિયો લઈને પૂર્વ દિશા તરફ ચાલ્યો. ત્યાં તેણે સોમ મહારાજની પૂજા કરી અને કંદમૂળ, ફળ વગેરે પોતાની ટોકરીમાં ભરી પોતાની કુટિરમાં આવ્યો. ત્યાં તેણે વેદી વાળીલીંપી સ્વચ્છ કરી અને ત્યારપછી દર્ભ અને કળશ લઈ ગંગાસ્નાન માટે ગયો. ત્યારબાદ આચમન કરી, દેવતા અને પિતૃઓને જલાંજલિ આપી તથા દર્ભ અને પાણીનો કળશ હાથમાં રાખી પોતાની કુટિરમાં આવ્યો. દર્ભ, કુશ અને માટી વડે તેણે વેદી બનાવી, મંથન કાષ્ઠ દ્વારા અરણિ ઘસીને અગ્નિ પેદા કર્યો અને તેમાં સમિધ કાષ્ઠો નાંખીને તેને પ્રજવલિત કર્યો. અગ્નિની જમણી બાજુ તેણે સાત વસ્તુઓ સ્થાપિત કરી – સકક્ષ (એક ઉપકરણ), વલ્કલ, અગ્નિપાત્ર, શવ્યા ( સિક્કા), કમંડળ, દંડ અને સાતમી વસ્તુ તરીકે પોતાની જાત. પછી મધ, ઘી અને અક્ષત વડે અગ્નિમાં હોમ કર્યો તથા ચરુ (બલિ) પકાવીને અગ્નિદેવતાની પૂજા કરી. ત્યારબાદ અતિથિઓને ભોજન કરાવીને તેણે પોતે ભોજન કર્યું. એ રીતે તેણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં વૈશ્રમણની પૂજા કરી.
પછી એક દિવસ તેના મનમાં વિચાર પેદા થયો – હું વલ્કલનાં વસ્ત્રો પહેરી પાત્ર (કઢિણ) અને ટોપલી (સેકાઈય) લઈને કાષ્ઠમુદ્રા વડે મોઢે બાંધી ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન કરી અભિગ્રહ ધારણ કરીશ કે જળ, સ્થળ, દુર્ગ, નિમ્ન પર્વત,
૧. અહીં હોરિય, પોનિય, કોનિય, જન્નઈ વગેરે વાનપ્રસ્થ સાધુઓનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org