________________
અંગબાહ્ય આગમો
ભાવાક્ષીણતા. ‘અક્ષીણ' શબ્દના અર્થને ઉપયોગપૂર્વક જાણવો તે આગમતઃ ભાવાક્ષીણતા છે. નોઆગમતઃ ભાવાક્ષીણ તેને કહે છે જે વ્યય કરવા છતાં જરા પણ ક્ષીણ ન થાય. જેમ કે કોઈ એક દીપકથી સેંકડો બીજા દીપક પ્રદીપ્ત કરી શકાય છે પરંતુ તેથી તે દીપક નષ્ટ નથી થતો. તેવી જ રીતે આચાર્ય શ્રુતનું દાન અર્થાત્ પઠન-પાઠન કરતા કરતા સ્વયં દીપ્ત રહે છે તથા બીજાઓને પણ દીપ્ત કરે છે. સંક્ષેપમાં શ્રુતનું ક્ષીણ ન થવું, એ જ ભાવાક્ષીણતા છે.
આયના પણ નામાદિ ભેદથી ચાર પ્રકાર છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ પ્રશસ્ત આય છે, જ્યારે ક્રોધાદિની પ્રાપ્તિ અપ્રશસ્ત આય છે.
૨૭૪
ક્ષપણાના પણ ચાર ભેદ છે : નામક્ષપણા, સ્થાપનાક્ષપણા, દ્રવ્યક્ષપણા અને ભાવક્ષપણા. આનું વિવેચન પણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ. ક્ષપણા કર્મની નિર્જરાનું કારણ છે.
ઓધનિષ્પન્ન નિક્ષેપના ઉપર્યુક્ત વિવેચન પછી સૂત્રકાર નામનિષ્પન્ન નિક્ષેપનું પ્રતિપાદન કરતાં કહે છે કે જે વસ્તુનું નામવિશેષ નિષ્પન્ન થઈ ચૂક્યું હોય તેને નામનિષ્પન્ન નિક્ષેપ કહે છે જેમ કે સામાયિક. આના પણ નામાદિ ચાર ભેદ છે. ભાવસામાયિકનું વ્યાખ્યાન કરતાં સૂત્રકારે સામાયિક કરનારા શ્રમણોનું આદર્શ રૂપ પ્રસ્તુત કરવા માટે છ ગાથાઓ આપી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે જેમનો આત્મા બધા પ્રકારના સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈને મૂલગુણરૂપ સંયમ, ઉત્તરગુણરૂપ નિયમ તથા તપ વગેરેમાં લીન છે તેને જ સામાયિકનો લાભ થાય છે. જે ત્રસ અને સ્થાવર (ચર અને અચર) બધા પ્રકારના પ્રાણીઓને આત્મવત્ જુએ છે તથા તેમના પ્રત્યે સમાન ભાવ રાખે છે તે જ સામાયિકનો સાચો અધિકા૨ી છે. જેમ મને દુઃખ પ્રિય નથી તેમ જ અન્ય પ્રાણીઓને પણ દુઃખ સારું નથી લાગતું, એવું સમજીને જે પોતે નથી કોઈ જીવનું હનન કરતો, નથી બીજા પાસે કોઈનું હનન કરાવતો તે શ્રમણ છે. જેનો કોઈ સાથે દ્વેષ નથી પરંતુ બધા સાથે પ્રીતિભાવ છે તે જ શ્રમણ છે. જેને સર્પ, પર્વત, અગ્નિ, સાગર, આકાશ, વૃક્ષ, ભ્રમર, મૃગ, પૃથ્વી, કમલ, સૂર્ય, પવન વગેરેની ઉપમાઓ આપવામાં આવે છે તે જ શ્રમણ છે. જેનું મન શુદ્ધ છે, જે ભાવથી પણ પાપ નથી કરતો અર્થાત્ જેની પાપ કરવાની ઈચ્છા સુદ્ધાં નથી થતી, જે સ્વજન અને સામાન્યજનને સમાન ભાવે જુએ છે, જેનો માન અને અપમાનમાં સમભાવ છે તે શ્રમણ છે.
‘કરેમિ ભંતે ! સામાઇયં’ – વગેરે પદોનું નામાદિ ભેદપૂર્વક વ્યાખ્યાન કરવું તે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ કહેવાય છે. અહીં સુધી દ્વિતીય અનુયોગદ્વાર નિક્ષેપની ચર્ચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org