________________
નન્દી
૨૫૧
તેથી દુ:ખી થઈને રોહકે એક દિવસ તેને કહ્યું “મા ! તું મારી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરતી નથી એ સારું નથી.' એટલે મા બોલી “અરે રોહક ! હું તારી સાથે ઠીક વ્યવહાર ના કરું તો તું શું મારું બગાડીશ ?” રોહકે કહ્યું કે હું એવું કરીશ કે જેથી તારે મારા પગે પડવું પડશે.” તે બોલી “અરે પગે પડાવનાર! જા તારાથી થાય તે કરી લેજે.” આમ કહી મા ચૂપ થઈ ગઈ. રોહક પોતાની કરામત દેખાડવાની તક શોધવા લાગ્યો. એક દિવસ રાત્રિના સમયે તે પોતાના
પિતા પાસે સૂતો હતો ત્યારે અચાનક બોલવા લાગ્યો “પિતાજી ! આ જુઓ. કોઈ માણસ દોડ્યો જાય છે.’” બાળકની વાત સાંભળી નટને પોતાની સ્ત્રીનાં ચારિત્ર પ્રતિ શંકા પેદા થઈ. તે જ દિવસથી તેણે તેની સાથે સારી રીતે બોલવાનું પણ બંધ કરી દીધું અને અલગ સૂવા લાગ્યો. આ રીતે પતિને પોતાનાથી મોં ફેરવી લેતો જોઈને તે સમજી ગઈ કે આ બધી રોહકની જ કરામત છે. તેને પ્રસન્ન કર્યા વિના કામ ચાલશે નહિ. એમ વિચારી તેણે વિનંતીપૂર્વક ભવિષ્ય માટે સર્વ્યવહારનું આશ્વાસન આપીને બાળકને સંતુષ્ટ કર્યો. પ્રસન્ન થઈ રોહક પણ પિતાની શંકા દૂર કરવા માટે ચાંદની રાતમાં પોતાનો પડછાયો બતાવતાં પિતાને કહેવા લાગ્યો કે “પિતાજી ! જુઓ, આ કોઈ માણસ જઈ રહ્યો છે.” સાંભળતાં જ નટે તે પુરુષને મા૨વા માટે ગુસ્સે થઈ મ્યાનમાંથી તલવાર કાઢી અને બોલ્યો કે “ક્યાં છે તે લંપટ જે મારા ઘરમાં ઘૂસી ધર્મ નષ્ટ કરે છે ? બતાવ, અત્યારે જ તેને આ દુનિયામાંથી રવાના કરી દઉં.” રોહકે જવાબમાં આંગળીથી પોતાનો પડછાયો બતાવતાં કહ્યું કે “આ રહ્યો તે લંપટ.” પડછાયાને પુરુષ સમજવાની બાલચેષ્ટા જોતાં જ ભરત શરમાયો અને વિચારવા લાગ્યો કે અહો મેં નકામું જ બાળકના કહેવાથી પોતાની સ્ત્રી સાથે પ્રેમહીન વ્યવહાર કર્યો. આ રીતે પશ્ચાત્તાપ કર્યા પછી ભરત પોતાની સ્ત્રી સાથે પૂર્વવત્ પ્રેમપૂર્વક વ્યવહાર કરવા લાગ્યો. ત્યારે રોહકે વિચાર્યું કે મારા દુર્વ્યવહારથી અપ્રસન્ન થઈ માતા કદાચ મને વિષ વગેરે આપી મારી નાખશે એટલે હવે એકલા ભોજન ન કરવું જોઈએ. એમ વિચારી તે પોતાનું ખાનપાન પિતાની સાથે જ કરવા લાગ્યો અને હંમેશા પિતાની સાથે જ રહેવા લાગ્યો. એક દિવસ કાર્યવશાત્ રોહક પોતાના પિતાની સાથે ઉજ્જયિની ગયો. દેવપુરી જેવી નગરી જોઈને રોહક અતિ વિસ્મિત થયો અને પોતાના મનમાં તેનું પૂરું ચિત્ર આંકી લીધું. ઘરે પાછા ફરતી વેળાએ નગરીની બહાર નીકળતાં જ ભરતને કોઈ ભુલાયેલી વસ્તુ યાદ આવી અને તે લેવા માટે રોહકને સિપ્રા નદીના કાંઠે બેસાડી પાછો નગરીમાં ગયો. તે દરમિયાન રોહકે નદીકિનારે રેતી પર આખી નગરી દોરી કાઢી. આ બાજુ ફરવા નીકળેલો રાજા સંયોગવશાત્
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org