________________
ચૂલિકાસૂત્રો
પ્રથમ પ્રકરણ
નન્દી
નંદી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્ર કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રંથ માટે થાય છે જેમાં બાકી રહેલા વિષયોનું વર્ણન અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. દશવૈકાલિક અને મહાનિશીથના અંતમાં આ પ્રકારની ચૂલિકાઓ – ચૂલાઓ – ચૂડાઓ મળે છે. તેમાં મૂળ ગ્રંથના પ્રયોજન અથવા વિષયને દૃષ્ટિમાં રાખતાં એવી કેટલીક આવશ્યક વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમનો સમાવેશ આચાર્ય ગ્રંથના કોઈ અધ્યયનમાં કરી શક્યા ન હોય. આજકાલ આ પ્રકારનું કાર્ય પુસ્તકના અંતમાં પરિશિષ્ટ જોડીને સંપન્ન કરવામાં આવે છે. નંદી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું જ કામ કરે છે. એટલું જ નહિ, આગમોના અધ્યયન માટે તેઓ ભૂમિકાનું પણ કામ આપે છે. આ કથન નંદીની અપેક્ષાએ અનુયોગદ્વારના વિષયમાં અધિક સત્ય છે. નંદીમાં તો માત્ર જ્ઞાનનું જ વિવેચન કરવામાં આવ્યું છે જ્યારે અનુયોગદ્વારમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાના બહાને સમગ્ર આગમની વ્યાખ્યા અભીષ્ટ છે. આથી તેમાં ઘણું કરી આગમોના સમસ્ત મૂળભૂત સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવતાં વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જેમનું જ્ઞાન આગમોના અધ્યયન માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. અનુયોગદ્વારસૂત્ર સમજી લીધા પછી ભાગ્યે જ કોઈ આગમિક પરિભાષા એવી રહી જાય કે જે સમજવામાં જિજ્ઞાસુ પાઠકને મુશ્કેલીનો સામનો કરવો પડે. તે ચૂલિકાસૂત્ર હોવા છતાં પણ એક રીતે સમસ્ત આગમોનો – આગમજ્ઞાનનો પાયો છે અને તેથી અપેક્ષાકૃત મુશ્કેલ પણ
છે.
નંદીસૂત્રમાં પંચજ્ઞાનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નિર્યુક્તિકાર
૧. (અ) મુનિ પુણ્યવિજય, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૭; સાધ્વી શીલકુંવર તારક ગુરુ જૈન ગ્રંથાલય, ઉદયપુર, ૧૯૭૪; જિનેન્દ્રવિજય, હર્ષપુષ્પામૃત ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ૧૯૭૬; રતનલાલ દોશી, અ. ભા. સ્થા. ો. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૪.
(આ) પારસકુમાર, અ. ભા. સ્થા. શ્વે. જૈન સંસ્કૃતિરક્ષક સંધ, સૈલાના, ૧૯૬૭; મધુકર મુનિ, આગમ પ્રકાશન સમિતિ, બ્યાવર, ઈ.સ. ૧૯૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org