________________
અધ્યાત્મસાર
પ૪ દ્વિતીય અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ છે. આ અનુષ્ઠાનમાં મોક્ષનો આશય અને યમ-નિયમાદિ ક્રિયાઓ હોય છે. તેથી આશયના અંશથી અને યોગ્ય આચરણાઓના અંશથી પણ બીજા પ્રકારના અનુષ્ઠાનની ક્રિયા સારી છે. આમ છતાં, સૂક્ષ્મબોધ નહિ હોવાને કારણે તે આચરણાઓ લોકોત્તરદૃષ્ટિવાળી નથી. કેમ કે લોકોત્તરદૃષ્ટિ ભગવાનના વચનાનુસાર સમ્યફબોધથી પ્રગટે છે, અને બીજા પ્રકારનું અનુષ્ઠાન કરનાર જીવને સૂક્ષ્મબોધ નથી. તેથી જ ભગવાનના વચનાનુસાર તેઓને બોધ નહીં હોવાથી સૂક્ષ્મબોધના અભાવના અંશને આશ્રયીને તેમની ક્રિયાઓ ખામીવાળી છે. પરિણામે બીજા પ્રકારના અનુષ્ઠાનના સેવનથી જે દોષોનો નાશ થાય છે તે મંડૂકચૂર્ણ જેવો હોય છે. અર્થાત્ દેડકાંઓ વર્ષાઋતુમાં ઉત્પન્ન થાય છે અને પછી મરી જાય છે ત્યારે દેડકાના મૃત્યુ બાદ તેમના શરીરનું જે ચૂર્ણ પડેલુ હોય, તેની સાથે વરસાદના પાણીનો સંયોગ થાય તો તે ચૂર્ણમાંથી ફરી દેડકાં ઉત્પન્ન થાય છે. તે રીતે બીજા અનુષ્ઠાનના સેવનથી જીવે દોષનો નાશ કર્યો હોય, છતાં પણ ફરીથી દોષને અનુકૂળ બાહ્યસામગ્રી મળે તો તે દોષ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે. તેથી અત્યંતદોષનો નાશ બીજા અનુષ્ઠાનમાં નથી, અર્થાત્ મૂળથી દોષનો ક્ષય થતો નથી.
તૃતીય અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન જીવમાં લોકોત્તરદૃષ્ટિથી પ્રગટે છે અને તે લોકોત્તરદષ્ટિ ભગવાનના વચનાનુસાર સૂક્ષ્મબોધને કારણે થાય છે. તેથી સૂક્ષ્મબોધવાળા જીવો પોતાની ભૂમિકાનો નિર્ણય કરીને, ગુરુ-લાઘવના આલોચનપૂર્વક અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. પરિણામે અનુષ્ઠાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણભાવનું કારણ બને છે. તેથી ત્રીજા અનુષ્ઠાનના સેવનથી દોષનો આત્યંતિક ક્ષય દષ્પમંડૂકચૂર્ણની જેમ થાય છે.
જેમ દેડકાના કલેવરને અગ્નિથી બાળી નાંખવામાં આવે તો તેમાંથી બનેલી દેડકાની ભસ્મને ફરી વરસાદના પાણીનો સંયોગ મળે તો પણ દેડકાં ઉત્પન્ન થતાં નથી; તેમ સૂક્ષ્મબોધવાળો, વિવેકસંપન્ન, સમ્યગ્દષ્ટિ જીવ પોતાની ભૂમિકાને ઉચિત જે અનુષ્ઠાન સેવે છે, તેમાં ગુરુ-લાઘવનું સમાલોચન હોય છે, અને તીવ્ર સંવેગ હોય છે; તેથી તેનાથી થતા દોષોનો નાશ પ્રવાહરૂપે ફરી ઊઠતો નથી, પરંતુ જેટલા અંશમાં દોષનો નાશ થાય તે દોષહાનિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણભાવનું કારણ બને છે. આથી જ ત્રીજા પ્રકારના અનુષ્ઠાનને “અનુબંધ શુદ્ધ' કહે છે.ll૨-૨૪/૨પા